પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે જીલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

  • જીલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં ઉજવણીના સુચારૂ આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજાઈ.

ગોધરા, પંચમહાલ જીલ્લામાં આગામી તા.26મી જાન્યુઆરી,2024 ના રોજ પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે કરાશે.

જીલ્લા કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની યોજાનાર ઉજવણીના પૂર્વ સુચારૂ આયોજન અને તૈયારીઓ અંગે આજે ગોધરા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉજવણીના આયોજન માટે સંબંધિત અધિકારીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.આ જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના દિવસે અધિકારી-કર્મચારીઓ અને બહોળી સંખ્યામા નાગરિકો આ રાષ્ટ્રીય પર્વમાં હર્ષભેર ભાગ લે તેમ જણાવ્યું હતું.

જીલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ પણ યોજાશે.આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, માઈક-મંડપ, લાઈટ, પાણી, વીજળી તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. તે અંગેની તૈયારીઓ સહિત સમગ્રતયા કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગેનું આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાશે.

નિવાસી અધિક જીલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાએ બેઠકનું સંચાલન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે આપીલ કરાઈ હતી.બેઠકમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.