
ગોધરા, પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં ઈંટોની ભઠ્ઠાઓ દિવાળી શરૂ થતા જ ધમધમી ઉઠતા હોય છે. ગત બે વર્ષથી ઈંટોની ભઠ્ઠાના માલિકોને વરસાદી માવઠાના કારણે ધંધાદારીઓની હાલત કફોડી બની ગઈ છે. દિવાળી શરૂ થતા જ ઈટો નાં ભઠ્ઠા ઉપર અનેક પરપ્રાંતી શ્રમિક ટોળકીઓ પોતાની રોજીરોટી મેળવવા માટે ઈંટોના ભઠ્ઠા ઉપર માટી કામ કરી ઈટો ની છપાઈ કરતા હોય છે. દિવાળીથી શરૂ કરેલા મોટાભાગના ઈંટોના ભઠ્ઠા ઉપર એક મહિનામાં અંદાજિત ચાર થી પાંચ લાખ કાચી ઈંટોની છપાઈ થઈ જતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી તે જ સમય દરમિયાન વરસાદી માવઠા થવાના કારણે ભઠ્ઠાના માલિકોના સપના ઉપર પાણી ફરી વળતું હોય છે. શ્રમિકો દ્વારા માટી કામ કરી જમીન પર કાચી ઈંટોની છપાઈ થતી હોય છે. જ્યારે કાચી ઈંટોની છપાઈ પર વરસાદી પાણીનાં પડતા કાચી ઈંટોનું ધોવાણ થતું હોય છે. જેના કારણે મોટી માત્રામાં નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. મજૂરી ખર્ચ તેમજ મટીરીયલ ખર્ચનું ભુકતાંન ઈંટોનાં ભઠ્ઠા માલિકોએ વેઠવું પડતું હોય છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ, વેજલપુર, ઘોંઘબા, હાલોલના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા ઈંટોની ભઠ્ઠા ઉપર ગત દિવસોમાં વરસાદી માવઠાને કારણે ઈંટો પર પાણી પડતાં તેમજ છપાઈનાં સ્થળો ઉપર પાણી ફરી વળતાં ઈંટો ઓગળી જતાં ભારે નુક્સાન થયું હોવાનુ ઈંટોના ભઠ્ઠાનાં વેપારીઓનું કહેવું છે. મોટા ભાગના ઇટોના ભઠ્ઠા ઉપર ત્રણ-ચાર લાખ ઈંટો ઓગળી ગઈ હોવાનું ઈંટોના વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે, સરકાર દ્વારા આવા ધંધાદારીઓને પણ નુકશાનનું વળતર મળે તેવું ઈંટોનાં ભઠ્ઠા માલિકો પૂછી રહ્યા છે.