પંચમહાલ જીલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું વેગવંતુ

  • ગોધરા બસ સ્ટેશન ખાતે જીલ્લા કલેકટર આશિષ કુમારે હાથમાં ઝાડુ અને કચરો વીણીને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
  • જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત બસ સ્ટેશનના અધિકારીઓ,કર્મચારીઓ અને સફાઈ કર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા.
  • પંચમહાલ જીલ્લાને સ્વચ્છ બનાવવા નાગરિકોને અપીલ કરતા જીલ્લા કલેકટર આશિષ કુમાર.

ગોધરા,સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા”’ અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આજથી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયું છે.

આજરોજ ગોધરા બસ સ્ટેશન ખાતે પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, જીલ્લા કલેકટર આશિષ કુમાર સહિત બસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈમિત્રો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જીલ્લા પંચાયતના પ્રમુખ અને જીલ્લા કલેકટર દ્વારા હાથમાં ઝાડુ લઈને સફાઈ કરાઈ હતી. આ સાથે ઝભલામાં કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.

આ તકે જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, દર રવિવારે અલગ અલગ થીમ આધારિત આગામી બે મહિના સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌકોઈ સાથે મળીને સહિયારા પ્રયત્નો થકી પંચમહાલ જીલ્લાને સ્વચ્છ અને સુઘડ બનાવીએ. આ તકે તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતાનું મહત્વ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પંચમહાલવાસીઓને અપીલ કરી હતી કે, સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને સ્વચ્છતા હી સેવા અભિયાનને વેગવંતુ બનાવવામાં તરફ આગળ વધવા જણાવ્યું હતું.