
- ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા.
- ભુરાવાવ, અમદાવાદ હાઈવે સિમલા ગેરેજ, ખાડી ફળીયા વિસ્તારોમાં પાણી ભરાયા.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં 16 સપ્ટેમ્બર શનિવાર મોડી રાત્રીથી મેધરાજા લાંબા રિસામણા બાદ ધોધમાર વરસી પડયા હતા. સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહેવા પામ્યો છે. ભારે વરસાદથી ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોના ધરોમાં પાણી ભરાવવાની તેમજ અમુક વિસ્તારોના માર્ગો ઉપર પાણી ફરી વળતા લોકોની અવરજવર બંધ થઈ છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી નદી-નાળા અને તળાવમાં નવા નીરની આવક થઈ છે. મેધમહેર થતાં જીલ્લાના ખેડુતોમાં આનંદ જોવા મળ્યો છે.

મધ્ય ગુજરાત સહિત પંચમહાલ જીલ્લામાં શનિવાર મોડી રાત્રીથી મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત બીજા દિવસે પણ વરસાદ સતત ચાલુ રહ્યો હતો. સત એકધાર્યા ધોધમાર વરસાદને લઈ ગોધરા શહેરના અનેક વિસ્તારો જેવાં કે, ભુરાવવા વિસ્તાર, સિમલા ગેરેજ, ખાડી ફળીયા, ચિત્રાખાડીમાં વરસાદી પાણી નિકાલના અભાવે ધરો અને રોડ ઉપર ભરાતા રહિશો અટવાઈ પડયા હતા. ધરોમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકશાન થવા પામ્યું છે. ગોધરા-દાહોદ હાઈવે પ્રભા કોતર બે કાંઠે થતાં કાંઠા વિસ્તારના પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, ગણેશ નગરના અનેક મકાનોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.

પંંચમહાલ જીલ્લામાં મોટાભાગના તમામ તાલુકાઓમાંં સાર્વત્રિક મેધમહેર થવા પામી છે. એક તરફ લાંબા સમયથી વરસાદથી રાહ જોતા ધરતીપુત્રો માટે વરસાદ આર્શીવાદ સમાન બન્યો છે અને ઉભા પાકોને જીવતદાન મળ્યું છે. નદી-નાળાઓ-તળાવો જતા નવા નદીની આવક થતાં આગામી સીજન અને ઉનાળામાં ઉભી થનાર પાણીની સમસ્યા દુર થઈ છે.

17 સપ્ટેમ્બરના રોજ જીલ્લામાંં નોંધાયેલ વરસાદી આંકડા….
શહેરા – 9 ઈંચ
મોરવા(હ) – 7 ઈંચ
ગોધરા – 9.5 ઈંચ
કાલોલ – 3 ઈંચ
ધોધંબા – 47 મી.મી.
હાલોલ – 3 ઈંચ
જાંબુધોડા – 2.9 ઈંચ
પાનમ ડેમ માંથી 60 હજાર કયુસેક પાણી છોડતા પાંચ ગામો એલર્ટ…
પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં ડેમ માંથી 60 હજાર કયુસેક પાણી છોડવામાં આવનાર હોય જેને લઈ વહીવટી તંત્ર દ્વારા શહેરા તાલુકાના પાંચ ગામો બલુજીના મુવાડા, રામજીની નાળ, કોઠા, ઉડારા, મોઢને એલર્ટ કરવામાં આવ્યાછે.
શહેરાના તાલુકાના પોયડા ગામના નાયક ફળીયાના અંદાજીત 70 વ્યકિતઓને સ્થળાંતર કરી પ્રા.શાળામાં ખસેડવામાં આવ્યા.
મોરવા(હ) તાલુકાના નાટાપુર પાસે પાનમ નદી ખાતે ભારત માલા પ્રોજેકટ અંતર્ગત કામગીરી કરતાં 60 જેટલા મજુરોને સ્થાનિક ફાયર ટીમ, તરવૈયાએ પોલીસ જવાનો દ્વારા મામલતદારની હાજરીમાં રેસ્કયુ કરી સુરક્ષીત જગ્યાએ સ્થળાંતરીત કરાયા.
હડફ ડેમ માંથી 7 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું….
પંચમહાલ જીલ્લાના હડફ ડેમમાંં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણીની સતત આવકમાં વધારો થયો હતો. જેને લઈ ડેમના ચાર ગેટ 7 ફુટ અને 1 ગેટ 8 ફુટ સુધી ખોલવામાંં આવતા હડફ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
હડફ ડેમની હાલની સપાટી :- 166.20 મીટર
ભયજનક સપાટી :- 166.20 મીટર
આવક :- 43520 કયુસેક
જાવક :- 43680
ગોધરાની મેશરી નદી બે કાંઠે વહેતી થતા વ્હોરવાડ થી ગોન્દ્રાને જોડતા કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝ વે ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી બન્ને કાંઠા ઉપરથી અવર જવર માટે બંધ કરવામાં આવ્યો.
ગોધરા રેલ્વે ટ્રેક ઉપર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પર અસર….
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ લોર્ડીંગ સીસ્ટમ પર અસર પડી હતી. જેને લઈ મુંબઈ-દિલ્હી ટ્રેન વ્યવહાર પર અસર થવા પામી. મુસાફર ટ્રેનોને સહિ સલામત પસાર કરવા રેલ્વે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો.
ગોધરા ચંચોપા ગામે ભારત માલા પ્રોજેકટની કામગીરી કરતાં 3 શ્રમિકોને પોલીસે બચાવ્યા….
ગોધરા તાલુકાના ચંચોપા ગામે ભારત માલા પ્રોજેકટમાં ફસાયેલા 3 શ્રમિકોની મદદ ગોધરા તાલુકા પી.આઈ. પી.કે.આસોડાએ સરાહનિય કામગીરી કરી હતી અને ફસાયેલા 3 શ્રમિકોને પોલીસ દ્વારા 70 ફુટ ઉંડાઈએથી દોરડા વડે સાહસ કરી શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં સોમવારે ભારે વરસાદને લઈ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો….
પંચમહાલ જીલ્લામાંં સતત બે દિવસથી સતત ભારે વરસાદને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારના રોજ જીલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાંં આવી છે.