પંચમહાલ જીલ્લામાં સક્ષમ દીકરી સક્ષમ પંચમહાલ 5 S નવીનતમ પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા જીલ્લા કલેકટર

  • આદિજાતિ ઘોઘંબા તાલુકાની 280 પ્રાથમિક શાળાઓ ખાતેથી શુભારંભ, કિશોરી સ્વાસ્થ્ય, સૂપોષણ, શિક્ષણ, સુરક્ષા અને સ્વ-રોજગાર મળીને બાળકીઓને સક્ષમ બનાવાશે.

ગોધરા, પંચમહાલ જીલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ ગોધરા ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત “સક્ષમ દીકરી સક્ષમ પંચમહાલ 5 S નવીનતમ પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે,જીલ્લાની બાળકીઓ વિવિધ ક્ષેત્રમાં સક્ષમ બને શિક્ષણની સાથે સાથે મહિલાલક્ષી કાયદાઓ, સુરક્ષા, સાયબર ક્રાઇમ, સરકારની મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વ રોજગાર સહિતના મુદ્દાઓ બાબતે જાગૃતતા, લાભ અને સામાજીક પરિસ્થિતિઓમાં સુધારો લાવી શકાય તે અંગે કામગીરી કરવા સૂચનો કરાયા હતા.

તેમણે કહ્યું કે,સરકારની મહિલાલક્ષી યોજનાઓની પુસ્તિકાઓનું શાળાઓમાં વિતરણ કરાય, પોષણ અને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવા તથા શાળા કક્ષાએ આ બાબતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા જણાવ્યું હતું.

જીલ્લા વહીવટી તંત્રની ઉત્કૃષ્ઠ પહેલ થકી પંચમહાલ જીલ્લામાં આ પાઇલોટ પ્રોજેક્ટ સૌપ્રથમ આદિજાતિ ઘોઘંબા તાલુકાની 280 પ્રાથમિક શાળાઓ ખાતેથી શરૂ કરાયો છે. જેમાં દરેક શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી 05 વિદ્યાર્થીનીઓ પાંચ અલગ અલગ વિષય પર જાગૃતતા ફેલાવવાનું કામ કરશે. આ પાંચ વિષયોમાં કિશોરી સ્વાસ્થ્ય, સૂપોષણ, શિક્ષણ, સુરક્ષા અને સ્વ રોજગારનો સમાવેશ થાય છે.

આજરોજ કલેકટર કચેરી ખાતે ગોધરાની શારદા મંદિર વિદ્યાલયની પાંચ વિદ્યાર્થીનીઓએ જીલ્લા કલેકટર સમક્ષ અલગ અલગ વિષય પર પ્રતિભાવ રજૂ કર્યા હતા. જીલ્લા કલેકટરએ બાળકીઓને અભિનંદન પાઠવીને સંવાદ સાધ્યો હતો. જેમાં જીલ્લા કલેકટરએ સિવિલ સર્વિસ પરીક્ષાઓ, કચેરી કાર્યપદ્ધતિ,જવાબદારીઓ, વ્યવસ્થા વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે બાળકીઓને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જીલ્લાની સ્થાનિક સામાજીક સમસ્યાઓને ધ્યાને લઈ દરેક પ્રાથમિક શાળાની કિશોરીઓ અને ગ્રામ પંચાયત અંતર્ગત રચાયેલ મહિલા કલ્યાણ સમિતિના સભ્યોને સાંકળી લઇ મહિલા શિક્ષણ, મહિલા સ્વચ્છતા, મહિલા સુરક્ષા, મહિલા સુપોષણ અને મહિલા સ્વરોજગાર જેવા પાંચ વિષયો સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી મહિલાલક્ષી યોજનાઓ અને માળખાઓને ઉજાગર કરી દરેક કિશોરી કે જે આવતી કાલના સમાજનું ભવિષ્ય છે, તેને સંપૂર્ણ રીતે સક્ષમ બનાવવા માટેનો એક પ્રયત્ન છે. આ બેઠકમાં મહિલા અને બાળ અધિકારી માધવી ચૌહાણ, દહેજ પ્રબંધક અધિકારી કિરણ તરાળ સહિત શાળાની વિધાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.