પંચમહાલ જીલ્લામાં રામ દીપ પ્રસ્થાન યાત્રાનું શહેરા ખાતે સ્વાગત કરાયું

શહેરા, પંચમહાલ જીલ્લામાં રામ દીપ પ્રસ્થાન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલ 1100 કિલો વજન ધરાવતા દીવાના દર્શન કરી રામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

પંચમહાલ જીલ્લામાં અયોધ્યા ખાતે થનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે. જ્યારે અયોધ્યામાં જન્મભૂમિ સ્થળે નિર્માણ પામેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. એમા વડોદરાના રામભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો દીવો બનાવવામાં આવ્યો હતો. રામદીપ પ્રસ્થાન યાત્રામાં આવી પહોંચતા પંચમહાલ જીલ્લા માંથી મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. જય…જય.. શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઊઠવા સાથે 1100 કિલો વજન ધરાવતા દીવાના દર્શન કરી રામભક્તોએ ધન્યતા અનુભવી હતી. રામ ભક્ત અરવિંદભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ દિવામાં ઘીની ક્ષમતા 501 કિલો હોવા સાથે 15 કિલોના કોટનથી દીવાની દિવેટ બનાવવામાં આવી છે. રામભક્ત દ્વારા બનાવેલ આ દીવો એક મહિના સુધી ચાલુ રહેશે તેમજ આ શોભાયાત્રાનું શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવવા સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો બંદોબસ્ત પણ શોભાયાત્રા દરમિયાન જોવા મળી રહયો હતો. આ શોભાયાત્રા નીકળતા રામ ભગવાનના ભક્તિમય ગીતો વચ્ચે રામભક્તો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.