પંચમહાલ જીલ્લામાં રખડતા શ્ર્વાન કરડવાના આંકડા ચિંતાજનક : છેલ્લા છ માસમાં 3968 ર્ડાગ બાઈટના શિકાર.

  • છેલ્લા છ માસમાં સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ 3968 ર્ડાગ બાઈટના શિકાર.

ગોધરા,પંચમહાલ જિલ્લામાં રખડતા શ્ર્વાન કરડવાના બનાવવામાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં વીતેલા છ માસ દરમિયાન રખડતા શ્ર્વાન કરડવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોમ્બર થી માર્ચ માસ સુધીમાં 3968 વ્યક્તિઓને રખડતા શ્ર્વાન કરડવાની ઘટનાઓ બની છે.જેને લઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ ના દર્દીઓ રોજેરોજ જોવા મળી રહ્યા છે. ખાસ તો ઇન્જેક્શનના સ્ટોક પણ વધારવા આવ્યા છે. આ સ્થિતિને કારણે ગોધરાના શહેરીજનો દ્વિચક્રી વાહન ઉપર કે માર્ગો ઉપરથી ચાલતાં પસાર થતી વેળાએ સતત શ્ર્વાનના હુમલાનો શિકાર ન બની જવાય એની સતત દહેશત હેઠળ પસાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ હાલોલ શહેરમાં રખડતા શ્ર્વાને પાંચ વર્ષના માસુમ બાળકને ગુપ્તાંગના ભાગે બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાની ઘટના સામે આવી હતી.

ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરના અંકલેશ્ર્વર મહાદેવ રોડ, બામરોલી રોડ,ચર્ચ સર્કલ, નગરપાલિકા રોડ અને ભૂરાવાવ વિસ્તારમાં સોસાયટીઓના આંતરિક અને જાહેર માર્ગો ઉપર રખડતા શ્ર્વાનનો કાયમ અડિંગો જોવા મળી રહ્યો છે.જેથી અહીંથી પસાર થતાં તમામ વ્યક્તિઓ શ્ર્વાનના હુમલાનો ભોગ ન બની જવાય એવા ભયના ઓથાર હેઠળ પસાર થતા જોવા મળી રહ્યા છે.ગોધરા શહેરની વાત કરવામાં આવે તો શહેરીજનો મોર્નિંગ કે ઇવનિંગ વોક માટે જતી વેળાએ ખૂબ જ સાવચેતી પૂર્વક જતા હોવા છતાં પણ રખડતા શ્ર્વાનના બચકાનો શિકાર બની રહ્યા છે. જેથી શહેરીજનોમાં નગરપાલિકા અથવા સરકારના સલગ્ન વિભાગ દ્વારા રખડતા શ્ર્વાન દ્વારા કરવામાં આવતાં હુમલાની ઘટનાઓમાં ઘટાડો થાય એ માટે જરૂરી પગલાં ભરવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠી છે.

ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં રખડતાં શ્ર્વાન કરડવાની ઘટનાઓ સતત વધતા સિવિલ હોસ્પિટલમાં દરરોજ ડોગ બાઈટના દર્દીઓની કતારો જોવા મળે છે. માત્ર ગોધરા સિવિલ હોસ્પિટલમાં જ ઇન્જેક્શન મુકાવનારનો છેલ્લા છ માસનો સત્તાવાર આંકડો જોઈએ તો ઓક્ટોમ્બર 559, નવેમ્બર 624, ડિસેમ્બર 705, જાન્યુઆરી 813, ફેબ્રુઆરી 567 અને માર્ચ માસમાં 700 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં ભોગ બનનાર મહિલાઓ અને પુરૂષની સંખ્યા જોઈએ તો 3008 પુરૂષ અને 960 મહિલાઓ છે. કુલ મળી ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિના માં 3968 લોકો ભોગ બની ચુક્યા છે.

જોકે, આ સમગ્ર મામલે ગોધરા નગર પાલિકા એ તો અચંબામાં પાડી દે તેવી વાત કરતા જણાવ્યું છે કે અમે રખડતા શ્ર્વાન મામલે કશું કરી શકીએ તેમ નથી. કારણ કે, જીવદયા વાળા આ બાબતે અમને કશું કરવા દેતા નથી. શ્ર્વાનને પકડવા એ તો પાપ છે. તેવું જીવદયાવાળા પાલિકાને કહીને શ્ર્વાન પકડવા દેતા નથી. ગોધરા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સપેક્ટર જણાવી રહ્યા છે કે, અમને ફરિયાદ તો મળે છે, પરંતુ આ સમસ્યાને લઈ હાલ કઈ થઈ શકે તેમ નથી.

પંચમહાલ જીલ્લામાં છેલ્લા છ માસમાં શ્ર્વાન કરડવાના આંકડા…
ઓકટોમ્બર – 559
નવેમ્બર – 624
ડિસેમ્બર – 705
જાન્યુઆરી – 813
ફેબ્રુઆરી – 567
માર્ચ – 700
બોકસ:
પુરૂષ – 3008
સ્ત્રી – 960
…………………..
3968 ર્ડાગ બાઈટના કેસ