
પંચમહાલ જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં સરકારી અનાજને સગેવગે કરનારા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં જીલ્લાના કુલ 04 પરવાનેદારોને અલગ અલગ મધ્યસ્થ જેલો ખાતે મોકલવામાં આવ્યા છે.

જીલ્લાના શહેરા તાલુકાના ખરેડીયાના રાયસીંગભાઇ નાયકાને જામનગર જેલ ખાતે તથા ખરોલીના નટવરભાઈ પટેલિયાને ભુજ જેલ ખાતે, ગોધરા ગ્રામ્ય મોરડુંગરાના મુકેશ પટેલને રાજકોટ જેલ ખાતે તથા મોરવા હડફ નાટાપુર-01ના ધી સાલિયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સેક્રેટરી અખમસિંહ પટેલને પાલનપુર જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.

ઉકત ચાર પરવાનેદારો દ્વારા સરકારી અનાજ ઘઉં,ચોખા,ખાંડ,તુવેરદાળ,બાજરી વગેરે મળી કુલ 8,167 કિલોગ્રામ કે જેની કુલ બજાર કિંમત 2,83,120/- નો અનાજનો જથ્થો ગરીબ રેશનકાર્ડ ધારકોને ના આપીને પોતાના અંગત આર્થિક લાભ માટે બારોબાર સગેવગે કરી કાળા બજારમાં વેચી મારેલ હોવાનું તેમજ લગ્ન પ્રસંગમાં આપી દીધેલ હોય, રેશનકાર્ડ ધારકોને તેઓને મળવા પાત્ર જથ્થાથી વંચિત રાખી અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલ છે.

રેશનકાર્ડ ધારકોના જાહેર હિતમાં તથા કાળા બજારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે એચ.ટી.મકવાણા, જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર પંચમહાલ – ગોધરાને આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા બાબતના અધિનિયમ – 1980ના કાયદા હેઠળ એટલે કે પી.બી.એમ હેઠળ કાર્યવાહી કરવા અંગેની દરખાસ્ત કરતા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર પંચમહાલ દ્વારા દરખાસ્ત ગ્રાહ્ય રાખી ઉપરોક્ત ચાર પરવાનેદારોની અટકાયત કરી જુદી જુદી જેલમાં મોકલવામાં આવ્યા છે તેમ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.