ગોધરા,પંચમહાલ જીલ્લામાં ” નલ સે જલ ” યોજનાની કામગીરી ગ્રામ્ય અને કસ્બા વિસ્તારમાં કરોડો રૂપીયાના ખર્ચ થયેલ છે. પરંતુ હજુ સુધી નલ સે જલ યોજનાનું પાણી લોકો સુધી પહોંચી શકયું નથી. ત્યારે આકરા ઉનાળામાંં લોકોને પાણી માટે વલખાં મારવા પડતા હોય તેવા સમયે લોકોને પાણીની સુવિધા મળે તેવી કાર્યવાહી કરવા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરાઈ.
પંચમહાલ જીલ્લામાં લાંબા સમયથી ” નલ સે જલ ” યોજનાની કામગીરી ગ્રામ્ય વિસ્તારો તેમજ કસ્બા વિસ્તારોમાં કરોડો રૂપીયાના ખર્ચ કરાઈ છે. પરંતુ ‘ નલ સે જલ ’ યોજનાનું પાણી જરૂરીયાતમંદ પરિવારોના ધર સુધી શુધ્ધ પીવાનું પાણી પહોંચી શકયું નથી. જે દુ:ખદ અને ચિંતાનો વિષય છે. હાલ કારમા ઉનાળાની સીઝનમાં આકરી ગરમીમાં જીલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થયેલ જોવા મળે છે. જીલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારો અને કસ્બામાં પાણીની લાઈનો નાખવામાં આવેલ છે પણ નળ શોભાના ગાંઠીયા સમાન જોવાય છે. જીલ્લામાં કેટલીક જગ્યાએ ‘ નલ સે જલ ’ યોજના અંંતર્ગત બનેલ પાણીની ટાંકીઓ પણ જર્જરીત થવા આવી છે. પરંતુ પ્રજા સુધી પાણી પહોંચ્યું નથી. સરકાર દ્વારા પ્રજાને પાણીનો લાભ આપવા જનતાના કરોડો રૂપીયા ખર્ચાઈ ચુકયા છે. પરંતુ ” નલ સે જલ ” યોજનામાં વ્યાપક ગેરરીતિ, અનિયમિતતા, લાલીયાવાડી અને ભ્રષ્ટાચારને લઈ પ્રજાને યોજનાનો લાભ મળી શકયો નથી. પંચમહાલ જીલ્લામાં ‘ નલ સે જલ ’ યોજનામાં થયેલ કામગીરી માટે રાજ્ય સ્તરની તટસ્થ તપાસ કરી આ યોજનાને જમીની સ્તરે સાર્થક કરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ કોંગ્રેસ સમિતિના અજીતસિંહ ભાટી દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરાઈ.