પંચમહાલ જીલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કુલ 1399 માંથી 1217 વસાહતોનો સમાવેશ : પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગર

ગોધરા,વડાપ્રધાનના નલ સે જલ યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જીલ્લામાં 631 ગામ અને 768 ફળીયા મળી કુલ 1399 વસાહતો આવેલી છે. જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત 1217 વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે 182 વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ 1217 વસાહતો પૈકી 990 વસાહતોમાં યોજના કાર્યરત છે.

આ સિવાય 95 વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, 93 વસાહતો વીજ જોડાણના કારણે, 9 વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, 30 વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી 182 વસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે. મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં પંચમહાલ જીલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 87 ગામ અને 116 ફળીયા એમ કુલ 203 વસાહતો પૈકી 104 વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ઓપરેટરના કારણે 49 વસાહતો, વીજ જોડાણના કારણે 10 વસાહતો, પંપીંગ મશીનરીના કારણે 7 વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે 15 વસાહતો અને પાઈપ લાઈનના કારણે 18 વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.