પંચમહાલ જીલ્લામાં “મારી માટી,મારો દેશ”કાર્યક્રમ અને વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

  • જીલ્લામાં કુલ 89 અમૃત સરોવર,334 ગામ તળાવો,36 પંચાયતની ઘરની પાસે,66 શાળાઓ ખાતે કુલ મળી 656 ગામોમાં 50 હજાર સ્વદેશી રોપાઓનું વાવેતર કરાશે.
  • કલેકટર આશિષ કુમારે “મારી માટી,મારો દેશ”કાર્યક્રમને એક તહેવારના રૂપે સૌ કોઈએ સાથે મળીને ઉજવણી કરવા જીલ્લાવાસીઓને કર્યો અનુરોધ.
  • પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસ-2023ની જીલ્લા કક્ષાની ઉજવણી કરાશે.
  • આદિવાસી દિવસ નિમિત્તે જીલ્લાના 11,366 આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય અંતર્ગત ઇ-પેમેન્ટ થકી રૂ.193.10 લાખની સહાય અને 141 કામોનું ખાતમુહૂર્ત તથા 72 કામોનું લોકાર્પણ કરાશે.

ગોધરા, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ તથા આવતીકાલે 9 ઓગષ્ટના દિવસે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ ગોધરા સ્થિત કલેકટર કચેરી, સભાખંડ ખાતે પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં તથા જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા અને પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી અને રૂપરેખા સંદર્ભે જીલ્લા કલેકટર આશિષ કુમારે પંચમહાલ જીલ્લાના મીડિયાકર્મી મિત્રોને માહિતી આપતા જણાવ્યું કે, તારીખ 9 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લાની 525 ગ્રામ પંચાયતો અને 131 ગામો મળી કુલ 656 ગામોમાં વીરોને નમન કરવાના હેતુથી દરેક પંચાયતમાં શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે.આ તકતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ સહિતની વિગતો હશે.

તેમણે કહ્યું કે, પંચમહાલ જીલ્લામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે. જીલ્લાની 525 ગ્રામ પંચાયતો ખાતે પાંચ થીમ આધારિત કાર્યક્રમ યોજાશે. જ્યારે 131 ગામોમાં ચાર થીમ આધારિત કાર્યક્રમ યોજાશે. દરેક ગામમાં 75 વૃક્ષોનું વાવેતર કરાશે. બહાદુર વીરોની સ્મૃતિમાં સ્મારક, પંચપ્રણની પ્રતિજ્ઞા, વેબસાઈટ પર સેલ્ફી અપલોડ સહિત ઉજવણી કરાશે. આ સાથે જીલ્લામાં 13 થી 15 ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ પણ યોજાશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાએ માહિતી આપતા કહ્યું કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ દરમિયાન જીલ્લાની શાળાઓમાં પ્રભાતફેરી, વકૃત્વ સ્પર્ધા, ધ્વજારોહણ અને વૃક્ષારોપણ કરાશે. જીલ્લામાં કુલ 89 અમૃત સરોવર, 334 ગામ તળાવો, 36 પંચાયતની ઘરની પાસે, 66 શાળાઓ ખાતે કુલ મળી 656 ગામોમાં 50 હજાર સ્વદેશી રોપાઓનું વાવેતર કરાશે. આ માટે જીલ્લાની 46 નર્સરીઓમાંથી રોપાઓનું વિતરણ કરાશે. દરેક ગામમાં અમૃત વાટિકા તૈયાર કરાશે. જીલ્લામાં 10 વીર શહીદોની તકતીઓ સાથે સન્માન કરાશે. જીલ્લામાં 525 ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ સભાનું આયોજન થશે. સાથે આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પ પણ યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પોલીસ માર્ચ ફ્લેગ પણ યોજાશે. જીલ્લામાં 9 થી 15 ઓગષ્ટ સુધી ગ્રામ પંચાયતો ખાતે, તા.16 થી 20 ઓગષ્ટ દરમિયાન તાલુકા કક્ષાએ, તા.21 થી 26 ઓગષ્ટ દરમિયાન જગ્યાઓની ઓળખ, 27 થી 30 ઓગષ્ટ દરમિયાન કર્તવ્યપથ, દિલ્હી ખાતે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ યોજાશે. ગામની માટીને તાલુકા ખાતે તથા ત્યાંથી ધાતુના કળશમાં 27 ઓગષ્ટના દિલ્હી ખાતે જીલ્લાના સાત નાગરિકો લઈને જશે.

જીલ્લામાં તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તા.16 ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક જાફરાબાદ ખાતે તથા તાલુકા પંચાયત હાલોલ ખાતે કાર્યક્રમ યોજાશે. તા.17 ઓગસ્ટના રોજ મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં, જાંબુઘોડા ખાતે તા.18 ઓગસ્ટના રોજ તાલુકા પંચાયત કચેરી, કાલોલ અને ઘોઘંબા ખાતે, 19 ઓગસ્ટના રોજ તાલુકા પંચાયત કચેરી,શહેરા અને 20 ઓગસ્ટના રોજ મોરવા હડફ તળાવ પાસે કાર્યક્રમ યોજાશે.આ સાથે તમામ તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત ખાતેથી આવેલ કળશ એકત્રિત કરવામાં આવશે.

આ તકે સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે,દરેક ગ્રામ પંચાયતો સહિત વિવિધ સ્થળો ખાતેથી સેલ્ફી અપલોડ કરવામાં આવશે. નાગરિકોએ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી ક્લિક કરે અને https://marimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરે આ અંગેની વિગતો https://yuva.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલે માહિતી આપતા જણાવ્યું કે, પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસ-2023ની આવતીકાલે જીલ્લા કક્ષાની ઉજવણી કરાશે. જીલ્લાના કુલ 582 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયની ચૂકવણી કરાશે. જેમાં 141 કામોનું ખાતમુહૂર્ત અને 72 કામોનું લોકાર્પણ પણ કરાશે.

જીલ્લાના 11,366 આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય અંતર્ગત ઇ-પેમેન્ટ થકી રૂ.193.10 લાખની સહાય સહિત વિશ્ર્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે. આજની પ્રેસ કોન્ફરન્સમાં જીલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.