પંચમહાલ જિલ્લામાં કુલ 68.44% જેટલું મતદાન નોધાયું, હવે 8 ડિસેમ્બરે ગોધરા ખાતે મતગણતરી હાથ ધરાશે

ગોધરા ,

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી,2022 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં બીજા તબક્કાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપ્પન થયું છે. જિલ્લામાં કુલ-1510 મતદાન મથકો પર લોકોએ લોકશાહીના પર્વની ઉજવણી કરીને, પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. જિલ્લામાં કુલ 68.44% જેટલું મતદાન નોધાયું છે. હવે પછી જિલ્લામાં ગોધરા ખાતે આવેલ છબનપુર, ઈજનેર કોલેજ ખાતે આગામી 8 તારીખના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

પંચમહાલ જિલ્લાની 124-શહેરા મત વિસ્તાર માટે 293 બુથોની 21 રાઉન્ડમાં, 125-મોરવા હડફ (અ.જા.જ) મત વિસ્તાર માટે 255 બુથોની 19 રાઉન્ડમાં, 126-ગોધરા મત વિસ્તાર માટે 299 બુથોની 22 રાઉન્ડમાં, 127-કાલોલ મતવિસ્તાર માટે 316 બુથોની 23 રાઉન્ડમાં તથા 128-હાલોલ મત વિસ્તાર માટે 25 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. દરેક વિધાનસભા વાઈઝ 15-15 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે. જેમાં 1-1 ટેબલ પર પોસ્ટલ બેલેટ મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ સાથે મતગણતરીમાં અંદાજીત 450 થી 500 કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. જ્યારે આવશ્યક સેવાઓ માટે અંદાજિત 200 થી 300 કર્મચારીઓ ફરજ બજાવશે. આ સાથે પરિણામ બતાવવાની વ્યવસ્થા માટે મીડિયા સેન્ટર, કંટ્રોલ રૂમ માંથી એનાઉન્સર, સ્પીકર સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.