શહેરા,પંચમહાલ જીલ્લામાં જળ શક્તિ અભિયાન 2023 અંતર્ગત કામોની ચકાસણી માટે ત્રણ દિવસ માટે કેન્દ્રની ટીમ આવી હતી. ભારત સરકાર ના નિયુક્ત કરેલ મોહમ્મદ રિઝવાન, ટેકનીકલ આસિસ્ટન્ટ તેમજ જીલ્લાના નોડલ અધિકારી અને કાર્યપાલક ઇજનેર વી.આર.તલાર દ્વારા શહેરા ,ગોધરા સમગ્ર જીલ્લામાં થયેલ તળાવની કામગીરી, ચેક ડેમની કામગીરી, મનરેગા દ્વારા થયેલ કામોની કામગીરી તથા ફોરેસ્ટ દ્વારા થયેલ ખેત તલાવડી વનીકરણની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ જીલ્લામાં વધુમાં વધુ પાણી સંગ્રહ થાય અને પાણીના સ્તર ઉચા આવે તે માટેના જરૂરી સૂચનો પણ કેન્દ્રની ટીમ દ્વારા આપવામાં આવ્યા હતા. સાથે કેન્દ્રની ટીમ દ્વારા અમૃત સરોવરની મુલાકાત લઈને તેની કામગીરીની ચકાસણી કરીને જરૂરી સૂચનો પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. જીલ્લામાં આવેલ પીવાના પાણીની આપવાની થતી લાઈનો તથા સંપ અને વોટર ટ્રેટ્રમેન્ટ પ્લાનની મુલાકાત લેવામાં આવવા સાથે હારેડા, મોટી કાંટડી, ભામૈયા, કોઠા સ્થિત પાણી પુરવઠાના વોટર પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી. કેન્દ્રની ટીમ અને જીલ્લા નોડલ અધિકારી વિરેન્દ્રસિંહ તલાર દ્વારા ત્રણ દિવસ દરમિયાન તળાવો, ચેક ડેમો તેમજ પાણી પુરવઠા યોજનાનાં વોટર પ્લાન્ટ તેમજ જીલ્લામાં આવેલ પાનમ ડેમ, હડફ ડેમ, કરાડ ડેમની મુલાકાત લઈને અનામત જથ્થા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. કેન્દ્રની ટીમ દ્વારા વૃક્ષોનું પ્રમાણ વધે અને જંગલ વિસ્તારમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે જણાવ્યું હતું. જીલ્લામાં ભૂગર્ભ પાણીના સ્તર ઊંચા લાવવા માટે સરકારી કચેરીઓ, શાળાઓ, ગ્રામ પંચાયત સહિત વિવિઘ કચેરીઓના ધાબા પર પડતા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સ્ટ્રક્ચર બનાવવા સૂચનાઓ આપી હતી. પંચમહાલ જીલ્લામાં ત્રણ દિવસ કેન્દ્રની ટીમ દ્વારા જળ શક્તિ અભિયાન 2023 ની કામગીરીની ચકાસણી કરાઈ હતી.