પંચમહાલ જિલ્લામાં ધઉંના ટેકાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હોવાથી માત્ર 6 ખેડુતોએ નોંધણી કરાવી

શહેરા, પંચમહાલ જિલ્લામાં ધઉંના ટેકાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હોવાથી માત્ર 6 ખેડુતોએ નોંધણી કરાવી હતી. જિલ્લામાં સીઝનમાં 33 હજાર મે.ટન ધઉંનુ ઉત્પાદન છતાં ટેકા ભાવની ખરીદી શુન્ય રહ્યુ છે. પ્રતિ ક્વિન્ટલે બાજરીના ભાવમાં રૂ.300 બોનસ જાહેર થતાં જિલ્લામાં 257 ખેડુતોએ નોંધણી કરાવી હતી.

જિલ્લામાં 15 હજાર હેકટરમાં ધઉંનુ વાવેતર કર્યુ હતુ. જેને લઈ સીઝનમાં જિલ્લામાં 33 હજાર મે.ટન ધઉંનુ ઉત્પાદન થયુ છે. સરકાર દ્વારા રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ધઉં પ્રતિ ક્વિન્ટલ રૂ.2275નો જે ટેકાનો ભાવ જાહેર કરી નોંધણી શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં ખેડુતોએ ધઉંના ટેકાના ભાવ માટે માત્ર 6 ખેડુતોએ નોંધણી કરાવી છે. કારણ કે રૂ.2400 જેટલા બજાર ભાવ ચાલતો હોવાથી ખેડુતો ટેકાના ભાવ ઓછા અને વેપારીને ધઉં વેચ્યા બાદ તરત જ પૈસા મળી જતાં હોવાથી ખેડુતો બજારમાં વધુ ભાવે ધઉંનુ વેચાણ કરતા હોય છે. જિલ્લામાં 33 હજાર મે.ટન ધઉંનુ ઉત્પાદન થયુ હોવા છતાં જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉનમાં હજુ સુધી એક પણ ખેડુત ટેકાના ભાવે ધઉંનુ વેચાણ કરવા આવ્યા નથી. જુવાર(હાઈબ્રિડ)પ્રતિ ક્વિન્ટલ રૂ.3180, જુવાર(માલદંડી)ભાવ ટેકાનો જાહેર કર્યો હોવા છતાં ઓનલાઈન પોર્ટલ પર ફકત 1 ખેડુતે નોંધણી કરાવી છે. ધઉં અને જુવારના બજાર ભાવ વધુ હોવાથી ખેડુતો ટેકાના ભાવથી વેચાણ કરવા પુરવઠા નિગમના ગોડાઉન તરફ આવતા નથી. જિલ્લામાં બાજરીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.2500 જાહેર કર્યા છે. તેમજ સરકારે ખેડુતોને પ્રોત્સાહિત કરવા પ્રતિ ક્વિન્ટલે રૂ.300નુ બોનસ જાહેર કર્યુ છે. જેથી ટેકાના ભાવ અને બોનસ મળી બજાર ભાવ કરતા વધુ થતુ હોવાથી જિલ્લામાં 257 ખેડુતોએ પોર્ટલમાં નોંધણી કરાવી છે. જેમાં કાલોલ તાલુકાના 137 ખેડુત, અને ગોધરા તાલુકામાં 45 ખેડુતોએ ટેકાના ભાવની નોંધણી કરાવી છે. તેમાં પણ ખેડુતોને નોંધણી મુજબ વારો મોડા આવતા કેટલાક ખેડુતો અન્ય પાક કરવા નાણાંની જરૂરિયાત ઉભી થતાં બાજરીનો પાક બજારમાં વેચવા મજબુર બન્યા છે.