ગોધરા, પંચમહાલ જીલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, 1994 હેઠળ રજીસ્ટર્ડ થયેલા ડોકટરોનો હોટલ લક્ઝુરા,ગોધરા ખાતે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં રજીસ્ટ્રેશન ધરાવતા તબીબો પૈકી મોટી સંખ્યામાં ડોકટરો તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
પંચમહાલ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરી દ્વારા વર્કશોપની શરૂઆત કરતા પહેલા સૌનું શાબ્દિક સ્વાગત કરાયું હતું તથા પંચમહાલ જીલ્લાના જાતિ પ્રમાણ દરની ચર્ચા કરાઈ હતી. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વર્કશોપને ખુલ્લો મુક્યો હતો.
આ વર્કશોપમાં રાજ્યકક્ષાથી આવેલ ડો.હર્ષદ પટેલ, નાયબ નિયામક દ્વારા હાજર તમામ ડોકટરોને એક્ટની ખુબ ઊંડાણપૂર્વક સમજણ આપી હતી તથા અરૂણ પ્રતાપ સિંઘ, કાયદા અધિકારી,ગાંધીનગર દ્વારા કાયદાની સમજ આપવામાં આવી હતી. આ એક્ટ અંતર્ગત શું કરવું જોઈએ તથા શું ન કરવું જોઈએ તેની સમજ અપાઇ હતી. ડો.સચિન જયસ્વાલ, પ્રોજેક્ટ ઓફિસર દ્વારા પણ એક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. ડો.જે.પી.પરમાર, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રાજ્યકક્ષાએથી આવેલ અધિકારી,ચેરમેન,તાલુકા આરોગ્ય અધિકારી, રજીસ્ટ્રેશન ધરાવતા તબીબો હાજર રહ્યા તથા આશિષ શાહ, જીલ્લા પ્રોગ્રામ આસીસ્ટન્ટ તથા ટીમ દ્વારા સફળ આયોજન કર્યું તે બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં નાયબ નિયામક (એમ.સી.એચ.),ગાંધીનગર ડો. હર્ષદ પટેલ, જયોતિકાબેન બામણીયા, ચેરમેન, એડવાઇઝરી કમિટી, પંચમહાલ,ડો.મહેશ ચૌધરી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, પંચમહાલ, અરૂણ પ્રતાપ સિંઘ, કાયદા અધિકારી, ગાંધીનગર, ડો. સચિન જયસ્વાલ, પ્રોજેક્ટ ઓફિસર, ગાંધીનગર તથા જીલ્લા કક્ષાના અન્ય અધિકારી તથા કર્મચારી હાજર હતા.