પંચમહાલ જીલ્લામાં ગતરાત્રીએ ભારે પવન સાથે ફુંંકાયેલ વાવાઝોડામાંં રસ્તા ઉપર ઝાડો પડવાના તેમજ મકાનના છાપરા ઉડવાના બનાવો

  • ગ્રામ્ય વિસ્તારોના માર્ગ અને સ્ટેટ હાઈવે ઉપર ઝાડ પડતા રસ્તા બંધ.
  • ઝાડ પડવાથી તેમજ વીજ થાંભલા પડી જતાં અનેક ગામોમાં વીજળી ગુલ.

ગોધરા, પંચમહાલ જીલ્લામાં ગતરોજ રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાના કારણે ગોધરા તાલુકા કાલોલ અને હાલોલ તાલુકાઓમાં ભારે નુકશાન થવા પામ્યું. વાવાઝોડામાં સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર ઝાડો પડી જવાને લઈ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા.

પંચમહાલ જીલ્લામાં ગતરોજ રાત્રીના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડા સાથે વિજળીના કડાકા ધડાકા સાથે વરસાદ પડયો હતો. ભારે પવન સાથે ફુંંકાયેલા વાવાઝોડાને લઈ ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, કાલોલ તાલુકાના તેમજ હાલોલ તાલુકામાં ભારે નુકશાન જોવા મળ્યું હતું. ભારે પવનના કારણે અમુક ગામોમાં મકાનના પતરાઓ હવામાં ઉડી જવાના બનાવ સામે આવ્યા. પતરા ઉડી જતાં ધરવખરી અને સરસામાનને નુકશાન થવા પામ્યું. કાલોલ તાલુકાના બોરૂ ગામે વિશાળ વૃક્ષ ભારે પવનમાં ધારાશાહી જતાં બે કારનો ભુકકો થઈ જવા પામ્યો. ભારે પવન અને વિજળીના કડાકા ધડાકા સાથે કમોસમી વરસાદને લઈ ખેતરોમાં ઉભા પાકો જેવાં કે, બાજરી, શાકભાજી અને ધાસચારાને ભારે નુકશાન થવા પામ્યું છે. પંચમહાલ જીલ્લામાં ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાને લઈ કેટલાક તાલુકાના ગામો તેમજ ગોધરા શહેરના અમુક વિસ્તારોમાં વૃક્ષો પડતા વિજળી બંધ થઈ હતી. તે પૂર્વવર્ત થઈ શકી નથી સાથે ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ઉપર તેમજ સ્ટેટ હાઈવે રોડ ઉપર પડેલા વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પંચમહાલમાં વાવાઝોડામાં થયેલ નુકશાનનું સર્વે કરવામાં આવશે.