પંચમહાલ જીલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. 9મી ઓગષ્ટથી મારી માટી, મારો દેશ કાર્યક્રમનો આરંભ થશે

  • માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારજનોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે.
  • ગ્રામ્ય કક્ષાથી નવી દિલ્હી સુઘી યોજાશે મારી માટી, મારો દેશ કાર્યક્રમ.
  • સમગ્ર દેશ સહિત પંચમહાલ જીલ્લામાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ માટીને નમન, વીરોને વંદન થીમ પર યોજાશે.
  • મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં જીલ્લા કલેકટર આશિષ કુમાર સહિતના અધિકારીઓ જોડાયા.

ગોધરા, સમગ્ર દેશ સહિત પંચમહાલ જીલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી- મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ઓગષ્ટ માસ તા. 09 થી આરંભ થશે. સમગ્ર કાર્યક્રમ માટીને નમન, વીરોને વંદન થીમ પર રાજયભરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આ માટે ગ્રામ કક્ષા થી નવી દિલ્હી સુઘી કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર રાજયમાં થાય તેવા ઉમદા આશયથી રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેના અનુસંધાને પંચમહાલ જીલ્લામાં આ કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જીલ્લાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ તથા બેઠક યોજાઇ હતી.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લામાં યોજાનાર મારી માટીમારો દેશ કાર્યક્રમનો આરંભ તા. 09મી ઓગષ્ટના રોજથી થશે. આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરથી આરંભ કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરે આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટેનો ઉમદા ભાવ રાખવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તર ખાતે જે તે ગામની માટી લઇ કળશમાં મુકવામાં આવશે. તેની સાથે શિલાફલકમ બનાવવામાં આવશે. આ શિલાફલકમ માં ગામના આઝાદી સમયમાં બિલદાન આપનાર શહીદ વીરો સાથે સાથે દેશ માટે પોતાનો જીવ આપનારા લશ્કર કે પોલીસના જવાનોના નામ લખવામાં આવશે. શિલાફલકમને અમૃત સરોવર, જળાશય કે શાળા-કોલેજા જેવા જાહેર સ્થળે ગામની માટી અને પથ્થરથી ઉભી કરવામાં આવશે.

આ સમગ્ર ઉજવણી દરમિયાન પાંચ કાર્યક્રમો યોજાશે. જેમાં શિલાફલકમનું લોકાર્પણ ઉપરાંત નાગરિકો પંચપ્રણ સંદર્ભે સામૂહિક શપથ ગ્રહણ કરશે. જેની સેલ્ફી વેબસાઇડ પર અપલોડ કરી શકાશે. આ પ્રસંગે વસુઘાવંદન કાર્યક્રમ થકી માતૃભૂમિને લીલીછમ બનાવવા માટે ગામના મહત્વના સ્થળ ખાતે 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. વીરોને વંદન કાર્યક્રમ થકી આઝાદીના શહીદો કે દેશ માટે બલિદાન આપનાર જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવશે. તેમજ ઘ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના તમામ ગામની માટી એકઠી કરવામાં આવશે. તેમજ દરેક તાલુકામાંથી એક નવયુવાન પોતાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે તાલુકા કક્ષાએથી માટીનો કળશ લઇ દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં જશે. દિલ્હી ખાતે કર્તવ્યપથ પર સમગ્ર દેશના તાલુકા મથકેથી માટીના કળશ લઇને આવેલા યુવાનોનું એકત્રીકરણ થશે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. સમગ્ર ગુજરાત સાથે પંચમહાલ જીલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે સઘન કામગીરી હાથ ઘરશે.

આજની મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણા, વન અધિકારી મીના, પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સહિત સબંધિત અધિકારીઓ જોડાયા હતા.