ગોધરા,પંચમહાલ જિલ્લાના હાલોલ, ગોધરા(ગ્રામ્ય), કાલોલ અને ઘોઘંબા તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેટલાક દિવસો અગાઉ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અને જે ચેકિંગમાં દુકાનદારો દ્વારા આચરવામાં આવેલી ગેરરિતી ઝડપાઈ હતી. આ ચેકિંગમાં જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજના કટ્ટાઓ પરવાનેદારો દ્વારા અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલા મળી આવ્યા હતા. જે મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પંચમહાલ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં આવેલી સસ્તા અનાજની દુકાનો ખાતે પરવાનેદારો દ્વારા સંગ્રહિત અનાજના જથ્થા કરતા વધુ અનાજનો જથ્થો સંગ્રહિત કરતા હોવાની રજુઆત અને જાણ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને થતાં જિલ્લા પુરવઠા અધિકારીએ જાતે સ્થળ પર જઈ તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જેના અનુસંધાનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી વધુ છ દુકાનના પરવાના કાયમી રદ્દ કર્યા હતા. જયારે ગોધરા શહેરની એક દુકાનનો પરવાનો મોકુફ કરવાનો હુકમ કર્યો હતો.