શહેરા,
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં 14 માર્ચના રોજ શરૂ થનાર એસ.એસ.સી.અને એચ.એસ. સી.બોર્ડની પરીક્ષાને લઈને ખંડ નિરીક્ષકોની તાલીમ એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બોર્ડની પરીક્ષામાં કઈ રીતે કામગીરી કરવી તેની સંપૂર્ણ માહિતી ખંડ નિરીક્ષકોને આપવા સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
શહેરા સહીત સમગ્ર જિલ્લામાં આગામી 14 માર્ચના રોજ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે આ બોર્ડની પરીક્ષામાં ફરજ બજાવનાર ખંડ નિરીક્ષકોની તાલીમ શહેરા એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બોર્ડની પરીક્ષામાં ફરજ બજાવનાર સુપરવાઇઝરોને જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ પટેલ તેમજ એ.આઇ અને એ.ડી.આઇ દ્વારા જરૂરી સૂચનાઓ આપવા સાથે કઈ રીતે ફરજ બજાવવાની છે અને તેમની શું ભૂમિકા છે તેમજ જો ફરજ દરમિયાન કોઈ ભૂલ થાય તો તેની શું જોગવાઈ છે. તે સહિત જરૂરી માહિતી આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવા સાથે જિલ્લાના આચાર્યોની પણ મીટીંગ યોજાઈ ગઈ હોય ત્યારે 14 માર્ચ થી શરૂ થતી બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ ને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે.પરીક્ષાના દિવસે વીજ પુરવઠો જળવાઈ રહે અને તબીબી અને 108 સેવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવનાર છે. નોંધનીય છે કે, પંચમહાલ જિલ્લામાં ધો.10 માટે 33 કેન્દ્ર, 87 બિલ્ડીંગ ખાતે અને 947 બ્લોક પર કુલ 28,252 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જ્યારે ધો.12 માટે 21 કેન્દ્ર,56 બિલ્ડીંગ ખાતે 598 બ્લોક પર 18, 463 વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપશે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ માટે 02 કેન્દ્ર,10 બિલ્ડીંગના 109 બ્લોક પર 2180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ તમામ પરીક્ષાકેન્દ્રો ખાતે સીસીસીટી રેકોર્ડિંગ સાથે પરીક્ષા લેવામાં આવનાર છે