
- ગોધરા,પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરાઈ.
- જીલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર આઇકોનિક સ્થળ પાવાગઢ,તાલુકા અને શાળા – કોલેજોમાં પણ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.
ગોધરા,10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પંચમહાલ જીલ્લા કક્ષાની ઉજવણી જીલ્લા કલેક્ટર આશિષ કુમારની રાહબરીમાં ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ મતી રેણુકાબેન ડાયરા અને રાજ્યસભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં સવારના સુ પ્રભાતે ઉત્સાહ-ઉમંગ સાથે યુવા, વડીલ, પોલીસ જવાનો અને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી.
જીલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, પોલીસના જવાનો, સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો, શાળાના બાળકો અને નાગરિકોએ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા.ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્ર્વ ફલક ઉપર લઈ જઈ દેશના દિર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જન જનને આરોગ્યની ગુરૂચાવી આપી છે. તેના કારણે જ આજે સમગ્ર વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવન શૈલી અપનાવવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા 21મી જૂન, 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. યોગને પણ સ્પોર્ટ્સ તરીકેની માન્યતા આપવામાં આવી છે. જેના પરિણામે નાગરિકો સ્વસ્થ જીવન જીવવામાં માટે પ્રેરિત થયા છે.
ગોધરા ખાતે જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ જશવંતસિંહ પરમારએ યોગ દિવસની શુભકામનાઓ આપી હતી તેમણે યોગ અને યોગાસન ભિન્ન છે એમ જણાવ્યું હતું. યોગ માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે, યોગ આત્માને પરમાત્મા સાથે જોડવાની સાચી પ્રક્રિયા છે. ઈશ્વરની અનુભૂતિ એ યોગ છે, તેમણે ગીતામાં વણવેલા સવન યોગ,કર્મ યોગ અને ભક્તિ યોગની સમજણ આપતા જણાવ્યું હતું કે, યમ અને નિયમ વગર કરેલા આસનો કે પ્રાણાયામનું કોઈ મહત્વ નથી એમને સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ અપનાવવા આહવાન કર્યું હતું.
પંચમહાલ જીલ્લા કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું હતું કે, આજે આખા પંચમહાલ જીલ્લામાં પાંચ લાખથી વધુ લોકો સ્વયં અને સમાજ માટે યોગની થીમ માટે યોગ કરવા જોડાયા છે. તેમણે વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈને યોગ અપનાવવા પ્રેરણા આપી હતી. ગોધરામાં રાજ્ય યોગ બોર્ડના પિન્કીબેન મેકવાન અને તેમની ટીમ દ્વારા સૈ કોઈને યોગ કરાવ્યા હતા. જીલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી.
યોગ કાર્યક્રમ વખતે ડી.ડી.ઓ ડી.કે.બારીયા, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ગુરૂગોવિંદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, આર.એ.સી એમ.ડી.ચુડાસમા,જીલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત યોગ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં પોલીસ જવાનો અને લોકો જોડાયા હતા.