પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે વેજલપુર પાસેથી ત્રણ રેતી ભરેલ ટ્રક સહિત 1 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો

પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ આજરોજ ગોધરા નજીકમાં આવેલ વેજલપુર પાસે રૂટિન પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે વેજલપુરના ચલાલી ચોકડી પાસેથી કેટલાક ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે વેજલપુર નજીક આવેલ ચલાલી ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રેતી ભરેલા ત્રણ ટ્રકની અટકાયત કરી હતી. તેમાં તપાસ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરની રેતી મળી આવી હતી. જેથી પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ત્રણ રેતી ભરેલ ટ્રક સહિત રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલ મુદ્દામાલ ને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો.જેના કારણે ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિથી પથરાયેલો વિસ્તાર છે. જેનો ગેરફાયદો કેટલાક ખનીજ માફિયા તત્ત્વો લઈ રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગની જાણ બહાર ગેરકાયદેસર રેતી,સફેદ પથ્થર સહિતની ખનીજ સંપત્તિનું બેરોકટોક રીતે વહન કરી રહ્યા છે.જેથી પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે આવા ખનીજ માફીયાઓ સામે અસરકારક કામગીરી કરી કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.

ત્યારે આજરોજ વેજલપુર નજીક આવેલ ચલાલી ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને કેટલાક ટ્રક આવી રહ્યાની બાતમી આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે ચલાલી ચોકડી પાસેથી ત્રણ રેતી ભરેલ ટ્રક સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ સાથે ત્રણ ઇસમની અટકાયત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો.