ગોધરા, પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરા તાલુકાના ઉમરપુર અને આંબાજેટી કુણ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી રેતી ભરતા ટ્રેકટર તેમજ ગોધરા બાયપાસ હાઈવે રોડ ઉપરથી ઓવરલોડ કોલસા ભરી જતી ટ્રક મળી 40 લાખના વાહનો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગને રજુઆત મળી હતી કે, શહેરા તાલુકાના ઉમરપુર તેમજ આંબાજેટી પાસેથી પસાર થતી કુણ નદીમાંથી ગેરકાયદેસર ખનીજ માફિયાઓ રેતી ખનન કરી વાહનો દ્વારા વહન કરવામાં આવતી હોય છે જેના આધારે ખાણ ખનીજ વિભાગે આંબાજેટી ગામે છાપો મારી કુણ નદીમાંથી રેતી ભરતા ટ્રેકટરને ઝડપી પાડવામાં આવ્યુ. જયારે ગોધરા બાયપાસ રોડ ઉપરથી ઓવરલોડ કોલસા ભરી જતી ટ્રક ઝડપી પાડવામાં આવી તેમજ વડોદરા હાઈવે તૃપ્તિ હોટલ પાસેથી રેતી ભરેલ ટ્રેકટર મળી કુલ 40 લાખ રૂપિયા વાહનો ઝડપી પાડીને સીઝ કરવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈ ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વાહનો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે.