ભાજપ સરકારનો પોસ્ટ મૅટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ શરૂ કરવાની માગ સાથે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં આદિવાસી સમાજના બાળકો મૅટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જે તે સમયે કોંગ્રેસની કેન્દ્રની સરકાર હતી. ત્યારે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મૅટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25% રાજ્ય સરકારે દ્વારા આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી.
ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે. જેમાં ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મૅટ્રિક પછી મૅનેજમૅન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
જેમાં સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મૅટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, એમ.બી.એ., એમ.સી.એ., એમ.ઈ. અને એમ.ફાર્મથી લઈને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા, ત્યારે સરકાર દ્વારા આ યોજના બંધ કરી દેવામાં આવતાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બન્યું છે.
ખાલી ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આવતાં એસટી કેટેગરીના 3700 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે. જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે. ત્યારે સરકાર તાત્કાલિક નિર્ણય રદ કરે અને આદિવાસી સમાજમાંથી આવતાં બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માગ સાથે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.