
ગોધરા,ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની “મિશન શક્તિ” અમ્બ્રેલા યોજના હેઠળ “સંબલ” અને “સામર્થ્ય” પેટા યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ “મિશન શક્તિ”યોજના અંતર્ગત પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરા ખાતે જીલ્લા કક્ષાની સમિતિની રચના બાબતે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પંચમહાલ જીલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા સમગ્ર યોજના અને તેના અમલીકરણ બાબતે માહિતી રજૂ કરાઈ હતી.જીલ્લા કલેકટરએ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પારવમેન્ટ ઓફ વુમન અંતર્ગત કર્મચારીઓને પ્રશ્ર્નોત્તરી કરીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા તથા યોજનાના અસરકારક અમલીકરણ, નિરીક્ષણ અને મૂલ્યાંકન માટે સૂચનો કર્યાં હતા. જીલ્લા કલેકટરએ કર્મચારીઓને ફિલ્ડમાં લાભાર્થીઓના અભિપ્રાય લેવા જણાવ્યું હતું તથા યોજના અંતર્ગત જીલ્લામાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે અનુરોધ કરાયો હતો.
જીલ્લા કલેકટરએ નારી સંરક્ષણ કેન્દ્રની વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં પણ નારી સંસ્થામા આશ્રિત બહેનોના પ્રવેશ/પુન:સ્થાપનની માહિતી,આશ્રિત બહેનોના સમયગાળામા વધારો કરવા તથા નારિગૃહ ખાતે જરૂરી સાધન સામગ્રીની ખરીદી કરવા અંગે સૂચનો કર્યા હતા.આ સાથે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર યોજના અન્વયે જીલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક અંતર્ગત સદર યોજના અંગે લોકોમાં તથા શાળાઓમા કિશોરીઓ સાથે કોમ્યુનિકેશન થકી જાગૃતિ ફેલાવવામાં આવે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.સી.જાની સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.