પંચમહાલ જીલ્લા કલેકટરએ ઘોઘંબા તાલુકાના બોરીયા ગામે સ્વ સહાય જૂથની બહેનો સાથે મુલાકાત કરી

  • જીલ્લા કલેકટરેએ વાંસમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કરી,તાલીમ અને વેચાણ સંદર્ભે માર્ગદર્શન આપ્યું.
  • આધુનિક મશીનરીનો ઉપયોગ કરી,ઉત્પાદન અને વેચાણ વધારવા તથા બ્રાન્ડ નામ આપવા જરૂરી સૂચનો કર્યા.

ગોધરા, પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના આદિવાસી પંથક બોરીયા ગામે જીલ્લા કલેકટર આશિષ કુમારે સ્વ સહાય જૂથની બહેનો સાથે મુલાકાત કરી હતી. આ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા વાંસમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવાની કામગીરી કરાય છે.

આ પ્રસંગે જીલ્લા કલેકટરએ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ચાલતા જય માતાજી મિશન મંગલમ જૂથ, જય અંબે મિશન મંગલમ જૂથ, સત્યમ મિશન મંગલમ જૂથ તથા મહારાજા મિશન મંગલમ જૂથની બહેનો સાથે મુલાકાત કરીને વાર્તાલાપ કર્યો હતો. જેમાં વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કામગીરી, તાલીમ અને વેચાણ વગેરે વિષયો પર ચર્ચા કરીને વિવિધ વસ્તુઓની નિરીક્ષણ કર્યું હતું.

આ તકે જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, વાંસમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવાની કામગીરી માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી વધુ પ્રમાણમા ઉત્પાદન કરી શકાય તે અંગે તાલીમનું આયોજન કરવું, બનાવેલ વસ્તુઓનું બ્રાન્ડ નામ આપવું વગેરે ચર્ચા કરીને આ બહેનોના બાળકોનું નિયમિત આંગણવાડી કેન્દ્ર ખાતે આરોગ્યની ચકાસણી થાય, બાળકોનું નિયમિત રસીકરણ સહિત તમામ બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. ગામની દરેક માતા અને બાળકના આરોગ્યમાં શું સુધારો થયો છે. તેની જાણકારી વગેરે બાબતો સાથે સ્વાસ્થ્ય અંગે જાણકારી આપીને ગ્રામલોકોને માહિતગાર કર્યા હતા.

અહીં નોંધનીય છે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી પંચમહાલ જીલ્લામાં અનેક સ્વ સહાય જૂથ અસ્તિત્વમાં છે. આ સહાય થકી અનેક બહેનો સ્વ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે.

આ મુલાકાત સમયે પ્રાયોજના વહિવટદાર અધિકારી-વ-નિયામક ડી.આર.પટેલ, પ્રાંત અધિકારી, આયોજન અધિકારી, મામલદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.