પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારે સાલીઆ પ્રાથમિક શાળા,મોરવા હડફ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

  • કલેકટર અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા.
  • બાલવાટિકામાં 27 અને ધોરણ-1માં 06 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો.

ગોધરા, આજ રોજ ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જીલ્લામાં 152 રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી,બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જીલ્લાના મોરવા હડફ તાલુકાની સાલીઆ પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં 27 અને ધોરણ 1માં 06 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કલેકટર અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી.

શાળા પ્રવેશોત્સવ-2023ના શુભારંભ પ્રસંગે કલેકટરએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે. જેની શરૂઆત ઘર અને આંગણવાડીથી કરાય છે, ત્યારે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ. દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે. તેને યોગ્ય વાતવરણ મળી રહે તો આવતીકાલ તેના અને સમાજ માટે સોનેરી બને છે. શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથ સર કરે તેવી શુભેચ્છાઓ જીલ્લા કલેકટરે બાળકોને પાઠવી હતી.

જીલ્લા કલેકટરએ શાળાના વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું.વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તથા એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફીસર રમીલાબેન ચૌધરી, ગામના સરપંચ, એસ.એમ.સી સમિતિના સભ્યઓ સહિત ગ્રામ્ય લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.