પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે 18 પંચમહાલ સંસદીય ટીમ તૈયાર-જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

18 પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કુલ 18 લાખ 98 હજાર 234 મતદારો, 9 લાખ 67 હજાર 574 પુરુષ અને 9 લાખ 30 હજાર 633 સ્ત્રી મતદારો

કુલ 2109 મતદાન મથકો,281 બુથો પર મંડપની વ્યવસ્થા,રેમ્પ,પીવાનું પાણી,વીજળી,શૌચાલય સહિત 538 વ્હીલ ચેરની ખાસ વ્યવસ્થા

ગોધરા, આવતીકાલે 7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન થવાનું છે ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ 18 પંચમહાલ સંસદીય મતવિસ્તાર અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિસ્પેચિંગની કામગીરી અંતર્ગત મતદાન ટુકડીઓ સાંજ સુધી મતદાન મથકે પહોંચી જશે.કુલ 2109 મતદાન મથકો ખાતે મતદાનની પ્રકિયા હાથ ધરાશે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગરમીના હિસાબે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમાં 281 બુથો પર મંડપની વ્યવસ્થા,રેમ્પ,પીવાનું પાણી,શૌચાલય,વીજળી સહિત દિવ્યાંગજનો માટે 538 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, થર્ડ રેન્ડમાઇઝેશન યોજાઈ ગયું છે તથા વધારાના રિઝર્વ સ્ટાફની પણ ફાળવણી કરાઈ છે. પોલિંગ સ્ટાફને વેલફેર કીટ આપવામાં આવી છે.આ સાથે મતદાન મથકો ખાતે ઘછજ અને મેડિકલ કિટની ફાળવણી કરાઈ છે.સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન યોજાશે તથા મતદાન શરૂ થયા પહેલાના દોઢ કલાકે મોકપોલ યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે 18 પંચમહાલ સંસદીય વિસ્તારમાં કુલ 18 લાખ 98 હજાર 234 મતદારો નોંધાયા છે જેમાં 9 લાખ 67 હજાર 574 પુરુષ અને 9 લાખ 30 હજાર 633 સ્ત્રી મતદારો તથા 27 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.કુલ 49 સખી મતદાન મથકો, 07-07 પીડબ્લ્યુડી અને આદર્શ મતદાન મથક તથા 01 યુવા મતદાન મથક ઊભા કરાયા છે. કામગીરી માટે કુલ 10,545 મતદાન સ્ટાફની નિમણૂક કરાઈ છે.કુલ 8,436પ્રિસાઇડિંગ ઓફિસર,મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા મહિલા પોલિંગ ઓફિસરની નિમણૂક કરાઈ છે.

આ સાથે 12,909 અધિકારી/કર્મચારીશ્રીઓનું પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ થકી 88 અરજીઓ પૈકી 83 અરજીઓને પરવાનગી આપવામાં આવી છે. જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા છે. સંસદીય વિસ્તારમાં 1017 તથા જિલ્લામાં કુલ 740 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.જિલ્લામાં 1556 પોલીસ જવાનો તથા 1838 હોમગાર્ડ જવાનો સહિત સીઆરપીએફ 7 કંપનીઓ અને વધારાના ડ્યુટી મુજબ પોલીસ જવાનોની પણ નિમણૂક કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પંચમહાલ સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા અપીલ કરી હતી તથા વધુમાં વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આહવાન કર્યું હતું.આ સાથે મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે 18 પંચમહાલ સંસદીય ટીમ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.પી.કે.ડામોર,મીડિયા નોડલ સુશ્રી પારુલ મણિયાર સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.