પંચમહાલ જીલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સને ૨૦૨૦-૨૧નું સુધારેલ તથા સને ૨૦૨૧-૨૨ના વર્ષનું અસલ અંદાજપત્ર પુરાંતવાળું મંજુર

સૌ સભ્યો એ તમામ ક્ષેત્રના સર્વાંગી વિકાસને આવરી લેતું બજેટને આવકારીને સર્વાનુંમતે પસાર

ગોધરા,
પંચમહાલ જીલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષ પદે થી પ્રમુખ કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકી દ્વારા સને ૨૦૨૦-૨૧નું સુધારેલ તથા સને ૨૦૨૧-૨૨ના વર્ષનું અસલ અંદાજપત્ર પુરાંતવાળું રજુ કરવામાં આવતાં ઉપસ્થિત સૌ સભ્યો એ તમામ ક્ષેત્રના સર્વાંગી વિકાસને આવરી લેતું બજેટને આવકારીને સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરાની યોજાયેલી સામાન્ય સભા પ્રમુખ કુ.કામીનીબેન ગોપાલસિંહ સોલંકીની અધ્યક્ષતામાં તથા સચિવ તરીકે ડીડીઓ એસ.કે.રાઠોડે શોભાવ્યું હતું. આ દરમ્યાન ભાજપાના તમામ જીલ્લા પંચાયતના સદસ્યો, શાખાધિકારીઓ, કર્મચારીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સભામાંં ગઈ નોંધને બહાલી આપીને થયેલા ઠરાવ ઉપર લીધેલા પગલાંનો અહેવાલ વાંચી સંભળાવ્યા બાદ અધ્યક્ષે રજુ કરેલા બજેટ પૂર્વે પંચમહાલ જીલ્લાના તમામ ગામોનો સર્વાંગી વિકાસ સાથે છેવાડાના ગરીબોની કલ્યાણકારી યોજનાઓને પહોંચતી કરવા સાથે આગામી વિકાસના કાર્યોના આયોજન અંગે સભ્યોના પ્રશ્ર્નો જાણીને ઉકેલવાની ખાતરી અપાઈ હતી. દરમ્યાન સને ૨૦૨૦-૨૧ ના વર્ષનું સુધારેલ તથા સને ૨૦૨૧-૨૨ ના વર્ષનું અસલ અંદાજપત્ર સામાન્ય સભા સમક્ષ રજુ કરતા હર્ષની લાગણી અનુભવતા અધ્યક્ષે જણાવ્યું હતું કે સ્વભંડોળ, સરકારી પ્રવૃતિઓ તથા દેવા વિભાગ માટે આવક તથા ખર્ચના અલગ અલગ અંદાજો તૈયાર કરવામાં આવેલા છે. તેમજ એકત્રિત તારીજ તૈયાર કરવામાં આવેલ છે. તેની સમજ સભ્યોને અપાઈ હતી. બાદમાં, સર્વાનું મતે બજેટને આવકારીને પસાર કરવામાં આવતાં પ્રમુખે સૌનો આભાર વ્યકત કર્યો હતો. ખાસ કરીને હિસાબી અધિકારી તથા કર્મચારીઓએ બજેટ તૈયાર કરવામાં ઉઠાવેલ જહેમતને તેઓએ બિરદાવી હતી.

સ્વભંડોળ-આવકવિભાગ

સ્વભંડોળની તા ૧-૪-૨૦૨૦ ના રોજ ની ખુલતી સિલક રૂ.૬૫૦.૩૪ લાખ (છ કરોડ પચાસ લાખ ચોત્રીસ હજાર)હતી અને ૨૦૨૦- ૨૧ ના વર્ષની આવકનો મુળ અંદાજ રૂ.૧૭૩.૩૦ લાખ( એક કરોડ તોતેર લાખ ત્રીસ હજાર) હતા. જેની સામે સને ૨૦૨૦-૨૧ માં આવકના સુધારેલ અંદાજ રૂ.૧૬૮.૪૫ લાખ (એક કરોડ અડસઠ લાખ પીસ્તાલીસ હજાર)મુકવામાં આવેલ છે. જયારે સને ૨૦૨૧-૨૨ના વર્ષ માટે સ્વભંડોળ આવકનું અંદાજ રૂ.૧૮૨.૧૦ લાખ(એક કરોડ બ્યાસી લાખ દશ હજાર) મુકવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે વૈધાનિક અનુદાન રૂ.૨૬.૭૫ (છબ્બીસ લાખ પંચોતેર હજાર), શિક્ષણ શાખાના રૂ.૧૦.૦૦ લાખ (દશ લાખ), સીડ ફાર્મ ઉપજ ની રૂ.૨.૧૦ લાખ(બે લાખ દશ હજાર), તથા બાધકામ પંચાયતની આવક રૂ.૩૬.૦૦ લાખ( છત્રીસ લાખ) અંદાજવામાં આવેલ છે.

સ્વભંડોળ ખર્ચ વિભાગ

સને ર૦ર૦-૨૧ ના વર્ષના ખર્ચનો મૂળ અંદાજ રૂ.૨ર૭.૮૮ લાખ (બે કરોડ સત્યાવીસ લાખ ઈઠીયાસી હજાર) હતા. જેની સામે સને ૨૦૨૦-૨૧માં ખર્ચ સુધારેલ અંદાજ રૂ.૨૧૯.૫૮ લાખ (બે કરોડ ઓગણીસ લાખ અઠ્ઠાવણ હજાર) જયારે સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે રૂ.૨૫૮.૬૮ લાખનો(બે કરોડ અઠ્ઠાવણ લાખ અડસઠ હજાર) અંદાજ છે. સને ૨૦૨૧-૨૨ ના જીલ્લા વિકાસ અધિકારી તથા સ્ટાફ પગાર ભથ્થા માટે ૭૦.૦૦ લાખ ( સીતેર લાખ)અંદાજ છે. સાદીલવાર ખર્ચ પેટે રૂ.૨૭.૪૫ લાખ (સત્યાવીસ લાખ પીસ્તાલીસ હજાર)અંદાજવામાં આવેલ છે. તેમજ મહત્વની જોગવાઈઓમાં વિકાસ અને પંચાયત ક્ષેત્રે રૂ.૯.૨૦ લાખ (નવ લાખ વીસ હજાર), શિક્ષણ ક્ષેત્રે રૂ.૧૦.૪૦(દશ લાખ ચાલીસ હજાર), ખેતીવાડી ક્ષેત્રે રૂ.૩.૦૦ લાખ( ત્રણ લાખ), સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.૮.૨૧ લાખ (આઠ લાખ એકવીસ હજાર ), બાધકામ ક્ષેત્રે રૂ. ૧૧૨.૦૦ લાખ(એક કરોડ બાર લાખ)ની જોગવાઈ કરવામાં આવેલ છે. રકતપિત અને ટીબીના દર્દીના પ્રચાર પ્રસાર માટે રૂ. ૧.૦૦ (એક લાખ)ની જોગવાઈ રાખેલ છે.

સરકારી પ્રવૃતિઓ આવક વિભાગ

સને ૨૦૨૦-૨૧ ના વર્ષ ના મુળ અંદાજો રૂ.૧૧૧૦૮૭.૫૦ લાખ(અગીયાર અબજ દશ કરોડ સીત્યાસી લાખ પચાસ હજાર) હતા. જેની સામે સુધારેલ અંદાજો રૂ. ૧૧૭૩૬૬.૦૦ લાખ(અગીયાર અબજ તોતેર કરોડ છાસઠ લાખ ) મુકવામાં આવેલ છે તથા સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે રૂ.૧૨૧૪૦૧.૭૫ લાખ (બાર અબજ ચૌદ કરોડ એક લાખ પચ્ચોતેર હજાર) ની આવક અંદાજવામાં આવેલ છે.

સરકારી પ્રવૃતિઓ ખર્ચ વિભાગ

સને ૨૦૨૦-૨૧ના વર્ષના મુળ અંદાજો રૂ.૧૧૦૬૫૬.૦૦ લાખ (અગીયાર અબજ છ કરોડ છપ્પણ લાખ) હતા. જેની સામે સુધારેલ અંદાજો રૂ.૧૦૫૪૭૩.૩૦ લાખ (દશ અબજ ચોપન કરોડ તોતેર લાખ ત્રીસ હજાર )મુકવામાં આવેલ છે તથા સને ૨૦૨૧-૨૨ના વર્ષ માટે રૂ.૧૧૨૫૯૨.૩૫ લાખ (અગીયાર અબજ પચ્ચીસ કરોડ બાણું લાખ પાત્રીસ હજાર )નો ખર્ચ અંદાજવામાં આવેલ છે.

દેવા વિભાગ આવક

સને ૨૦૨૦-૨૧ ના વર્ષના મૂળ અંદાજો રૂ. ૧૨૭૫.૦૦ લાખ (બાર કરોડ પંચ્યોતેર લાખ ) હતા. જેની સામે સુધારેલ અંદાજો રૂ .૫૮૭.૦૦ લાખ (પાંચ કરોડ સીત્યાસી લાખ)મુકવામાં આવેલ છે તથા સને ૨૦૨૧- ૨૨ ના વર્ષ માટે રૂ.પ૯૨.૦૦ લાખ (પાંચ કરોડ બાંણું લાખ)ની આવક અંદાજવામાં આવેલ છે.

દેવા વિભાગ ખર્ચ

સને ૨૦૨૦-૨૧ના વર્ષના મુળ અંદાજો રૂ. ૧૩૮૫.૦૦ લાખ (તેર કરોડ પંચ્યાસી લાખ ) હતા. જેની સામે સુધારેલ અંદાજો રૂ .૧૮૦૫.૦૦ લાખ ( અઠાર કરોડ પાંચ લાખ )મુકવામાં આવેલ છે તથા સને ૨૦૨૧- ૨૨ ના વર્ષ માટે રૂ.૧૮૦૫.૦૦ લાખ ( અઠાર કરોડ પાંચ લાખ ) નો ખર્ચ અંદાજવામાં આવેલ છે.
એકંદરે સ્વભંડોળની તારીખ ૩૧-૩-૨૦૨૨ની બંધ સિલક રૂ.૫૨૨.૬૩ લાખ (પાંચ કરોડ બાવીસ લાખ તેસઠ હજાર) તથા કુલ સિલક રૂ.૪૮૫૮૪.૧૨ લાખ (ચાર અબજ પંચ્યાસી કરોડ ચોર્યાસી લાખ બાર હજાર)અંદાજવામાં આવેલ હોઇ બજેટ પુરાંતવાળું છે.