
- જીલ્લામાં 100 કરતા વધુ કામદારો ધરાવતી 57થી વધુ કંપનીઓમાં વોટર અવેરનેસ ફોરમની કામગીરી કરાઈ.
ગોધરા,પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત પંચમહાલ જીલ્લામાં ઔદ્યોગિક સંસ્થામાં કામ કરતા કામદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ‘મતદાન જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયા હતા.
પંચમહાલ જીલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાયેલા આ જાગૃત્તિ કાર્યક્રમમાં મદદનીશ શ્રમ આયુક્ત ગોધરા અને માઈગ્રેટરી નોડલ અધિકારી એમ.જે.સોની દ્વારા જીલ્લાના વિવિધ ઔધોગિક યુનિટ ખાતે કામદારોને એકઠા કરીને અચૂક મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક બુથ પર મહિલા અને પુરૂષ મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બુથ પર વધુમાં વધુ વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લામાં એમ.જી.મોટર હાલોલ,સફારી મેન્યુફેક્ચરિંગ લિમિટેડ યુનિટ હાલોલ,કુસા કેમિકલ પોપટપુરા, પોલિકેબ ઇન્ડિયા હાલોલ,સેટકો કાલોલ સહિત જીલ્લાની 100 કરતા વધુ કામદારો ધરાવતી 57 થી વધુ કંપનીઓમાં વોટર અવેરનેસ ફોરમની કામગીરી કરવામાં આવી છે.