પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં વાતાવરણમાં પલ્ટા વચ્ચે કમોસમી વરસાદ પડતા ઠંડક પ્રસરી

ગોધરા,પંચમહાલ જીલ્લામાં ભરશિયાળામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ કમોસમી વરસાદ પડયો હતો. કાલોલ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં શહેરના માર્ગો ઉપર ખુલ્લામાં ધંધો રોજગાર કરતાં ધંધાદારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. કમોસમી વરસાદને લઈ માર્કેટીંગયાર્ડમાં ખુલ્લામાં પડેલ અનાજને લઈ વેપારીઓ અનાજ પલળી ન જાય તે માટે દોડધામ કરી મૂકી હતી.
જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ જાહેરાત મુજબ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડયો હતો. જેને લઈ ખેડુતો ચિંતીત બન્યા છે. હાલ ખેતરોમાં ધઉંનો પાક ઉભો હોય જેને લઈ કોઈ નુકશાન થવા પામ્યું નથી. પરંતુ કમોસમી વરસાદ થી ધઉંના ઉત્પાદન ઉપર થોડી અસર જોવા મળશે.કાલોલ તાલુકાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા. કરાનો વરસાદ થતાં લોકો આશ્ર્ચર્યમાં મુકાયા હતા. કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.