
- ગોધરા તાલુકાની 30 ગ્રામ પંચાયતોની ચુંંટણી વેળાસર કરાવાની માંગ ઉઠી.
ગોધરા, ગોધરા તાલુકાની 106 ગ્રામ પંચાયત પૈકી 30 ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા આ 20 ગ્રામ પંચાયતમાં વહીવટદારો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. સરપંચની મુદત પૂર્ણ થયાના 1 વર્ષ વીતવા છતાં આજદિન સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાઈ નથી. જેના કારણે હાલ ગોધરા તાલુકાની 30 ગ્રામ પંચાયતોમાં સરપંચ ન હોવાથી ધની વગરની ગ્રામ પંચાયતો થઈ જતા આ ગામોનો વિકાસ અટકી ગયો હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે, તેમજ આ ગ્રામ પંચાયતોમાં સરપંચનો ચાર્જ કોઈ પાસે ન હોવાથી ગ્રામ જનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયું છે. હાલ વિકાસ કામોમાં અડચણ ઉભી થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને ગ્રામજનોને પડતી મુશ્કેલીને લઈને કોને કહેવું એ સૂઝતું નથી. ત્યારે વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. નોંધનીય છેકે, તલાટીની સંખ્યા પણ 50 ટકા જ છે. જેથી તલાટી પાસે એક કરતાં વધારે ગ્રામ પંચાયતની જવાબદારી હોવાથી અરજદારોને સમયસર મળવું મુશ્કેલ બનતું હોય છે.

ગ્રામ પંચાયત એ ખરેખર ગામડાને લોકશાહી ઢબે ચલાવવા અને સરકારી નીતિઓ અને યોજનાઓ અમલ કરવા માટેનું સૌથી નાનું એકમ કહેવાય છે. ગ્રામ પંચાયત એ ગામનો વહીવહટ સંભાળતી મુખ્ય સંસ્થા છે. તેના વોર્ડના સભ્ય અને સરપંચને પસંદ કરવા માટે ગ્રામ પંચાયત સ્તરે ચૂંટણી યોજવામાં આવતી હોય છે. જેમાં ગામના લોકો મત આપી સભ્ય અને સરપંચને ચૂંટે છે અને આ જ સભ્ય અને સરપંચ ગામના વિકાસ માટે બેઠક યોજતા હોય છે અને ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવતા હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કુલ 106 ગ્રામ પંચાયત આવેલી છે અને તે પૈકી 30 ગ્રામ પંચાયત માં સરપંચનો કાર્યકાળ પૂર્ણ થઈ એક વર્ષ વીતી ગયો છે અને આ એક વર્ષ વીતવા છતાં આજદિન સુધી આ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી નથી. જેના કારણે આ 30 ગ્રામ પંચાયતોમાં સરપંચ ન હોવાથી અને સરપંચનો ચાર્જ કોઈ પાસે ન હોવાથી આ ગ્રામ પંચાયતમાં વહીવટદારો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

પંચમહાલ જિલ્લામાં આવેલી 525 માંથી 138 ગ્રામ પંચાયતમાં પંચાયતનો વહીવટી સરકારની જોગવાઈ મુજબ નિયુક્ત કરાયેલા વહીવટદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં ગોધરા તાલુકાની 106 ગ્રામ પંચાયત માંથી 30 ગ્રામ પંચાયત માં વહીવટદારો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થયેલી તેમજ વિભાજન થઈ અલગ કરાયેલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. અંદાજીત છેલ્લા એક વર્ષથી આ તમામ ગ્રામ પંચાયતમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટમાં નહિં હોવાથી સ્થાનિકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોવાનો લોકબૂમ ઉઠી છે. વહીવટીદારમાં કેટલીક ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી જ છે, જેઓ પાસે એક કરતાં વધુ ગ્રામ પંચાયતની જવાબદારી છે. જેથી અરજદારોને ગ્રામ પંચાયત ખાતે વહીવટદાર રેગ્યુલર હજાર મળતાં નહિ હોવાથી છેક તાલુકા પંચાયત કચેરી સુધી લાંબા થવું પડે છે અને કયારેક એક દિવસમાં પોતાની જરૂરિયાત મુજબનું કામ પૂર્ણ નહિ થતાં બીજા દિવસે ધક્કો ખાવો પડતો હોય છે, તેમજ વિદ્યાર્થીઓને કોઈ દાખલો કાઢવો હોય તો ગોધરા જાઉં પડે છે જેના કારણે સમય અને નાણાં નો દુર્વ્યય થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ખેડૂતોને અનેક સમસ્યા હોય છે અને તેની રજુઆત સરપંચ જોડે કરવાની હોય છે, પરંતુ ગામમાં સરપંચ ન હોવાથી ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે સ્થાનિકોમાં સરકાર પાસે વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.

સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ગામના અરજદારોને હાલાકી ન પડે તે માટે સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ આ વહીવટદારો પાસે આગાઉ થી જ બે થી ત્રણ ગામનો ચાર્જ હોવાથી તેઓ ગામને પૂરતો સમય ફાળવી શકતા નથી. જેના કારણે કામ અર્થે આવેલા અરજદારોને ધરમ ના ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી અવાર નવાર વહીવટદારોને ગ્રામ જનોના રોષનો ભોગ બનવું પડે છે.. ગ્રામ પંચાયતના તલાટી પાસે પણ અન્ય ગ્રામ પંચાયતનો ચાર્જ હોવાના કારણે તેઓ પણ અઠવાડિયામાં એક કે બે વાર ગ્રામ પંચાયત પર આવતા હોય છે. જેના કારણે ગામનો વિકાસ અને ગામનો વહીવટીના કામો ક્યાંક ને ક્યાંક અટકી જવા પામ્યો છે. ત્યારે હવે ધની વગરનું ગામ બની જતા ગ્રામ જનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નાણાં પંચના કામ માટે આવેલી ગ્રાન્ટ મજૂર થયેલા આવાસોના કામ અધૂરા પડ્યા છે, ત્યારે હવે ગ્રામ જનોને પડતી મુશ્કેલીને લઈને કોને કહેવું અને કોના જોડે જાઉં એ ગ્રામ જનોને સૂઝતું નથી. ત્યારે વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે અને ગામમાં વિકાસના કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.