પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લાનું સંયુકત કિસાન સંમેલન મોરવા(હ) ખાતે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયું

ગોધરા,
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું. જેમાં નીતિન પટેલે નવું કૃષિ સુધારા બિલ ૨૦૨૦ દેશના કરોડો ખેડૂતો માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું હતું,સરકારની કોવિડ ગાઈડલાઇન્સના પાલન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ત્રણેય જિલ્લાના ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલ સરકારી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં કિસાન સંમેલન યોજાયું હતું. દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આ સંયુક્ત કિસાન સંમેલનમાં ત્રણેય જિલ્લાના ભાજપી કાર્યકરો હોદ્દેદારો અને કિસાન મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધાર બિલ ૨૦૨૦ પસાર કરવામાં આવ્યા બાદ પંજાબ અને હરિયાણા ના ખેડૂતો સિંધુ પર બિલને રદ્દ કરવાની માંગ સાથે ૨૦ દિવસ ઉપરાંતથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આ આંદોલનને કોંગ્રેસ દ્વારા ઉભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો ભાજપ દ્વારા પહેલા દેશના દરેક ખેડૂત ને કૃષિ સુધારા બિલ વિષે માહિતગાર કરવા માટે ખાટલા બેઠકો કરવામાં આવી હતી અને હવે ભાજપ દ્વારા કિસાન સંમેલન દરેક જિલ્લામાં આયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ આજથી રાજ્યમાં કિસાન સંમેલન યોજવામાં આવ્યા હતા. જેના ભાગ‚પે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના ભાજપના કિસાન મોરચાના આગેવાનો-કાર્યકરો, સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ઉપસ્થિત નીતિન પટેલ એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે પહેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શેષ આપવી પડતી હતી જે કાયદાને કેન્દ્ર સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે તેમજ વેપારી ખેડૂતના ખેતરે જઈને ખેતપેદાશ ખરીદી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે જે ખેડૂતો માટે ;લાભદાયી છે. તો પછી વિરોધ સેનો છે તે સમજાતું નથી. ૧૩૦ કરોડ દેશની જનતા છે જે પૈકી ૫૦૦૦૦ લોકો વિરોધ કરી રહ્યા છે. દેશમાં પંજાબ અને હરિયાણા સિવાયના રાજ્યોમાં કોઈ વિરોધ નથી, વિરોધ કરનારાઓને જ ખબર નથી કે તેઓ વિરોધ શેનો અને કેમ કરી રહ્યા છે.
નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો જ થવાનો છે કોઈ જ નુકસાન થવાનું નથી માટે ખેડૂતોને સાચી માહિતી મળી રહે તે માટે આ કિસાન સામેલનો યોજવામાં આવી રહ્યા છે.

નીતિન પટેલ, નાયબ મુખ્ય મંત્રી , ગુજરાત રાજ્ય……

મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપવામાં માટે આવેલા નીતિન પટેલ એ કોરોનાની રસી અંગે પણ નિવેદન આપ્યું હતું. કોરોના વેક્સીન મુકાવવી એ દરેક નાગરિક માટે ફરજીયાત છે કે મરજિયાત તે અંગે તેમણે જણાવ્યું હતું કે કોરોનની રસી આવ્યા બાદ દરેક નાગરિક તે મુકાવવાની ઈચ્છા ધરાવશે જ કેમકે તેનાથી કોરોના સામે રક્ષણ મળે છે. કોરોના વેક્સીન આવે તેની દેશ અને દુનિયા રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના સંગ્રહ, વેક્સિનેશન સ્ટાફ તેમજ દર્દીઓ- નાગરિકોની યાદી તૈયાર રાખી છે. જયારે પણ રસી આવશે ત્યારે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રસીકરણ કરવામાં આવશે. રસીનો જે હાલ ટ્રાયલ ચાલે છે તેમાં કોઈ જ ખરાબ સમાચાર મળ્યા નથી.