ગોધરા સિટી સર્વે કચેરીમાં ખોટી રીતે બોગસ પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યુ હોવાની કલેકટરને જાણ તપાસ દરમિયાન ગેરરિતી બહાર આવતા કલેકટર દ્વારા મેન્ટેનન્સ સર્વેયરની શંકાસ્પદ ભુમિકા સામે આવતા તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા હતા. અને પ્રોપર્ટી કાર્ડ રદ્દ કરવામાં આવ્યુ હતુ.
અન્ય પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવામાં ગેરરિતી આચરવામાં આવી હોવાની સંભાવનાઓ આધારે સ્થાનિક અધિકારીઓની તપાસ કરી ગાંધીનગર જાણ કરી હતી. જે આધારે ગાંધીનગરની ટીમોએ એનઆઈસી પાસેથી વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી. ગોધરા સિટી સર્વે કચેરીમાં પાંચ દિવસ સુધી લાંબી તપાસ કરી ટીમે 2800 શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લીધા છે. જેની હાલ તપાસ ચાલી રહી છે. અને રિપોર્ટ ત્રણ થી ચાર દિવસમાં કરવામાં આવનાર છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ-2022માં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચોૈહાણને સિટી સર્વે કચેરીમાં કર્મચારીઓ અરજદારોને ધકકા ખવડાવી નાણાંની માંગણીઓ કરતા હોવાના આક્ષેપ થતાં ફતેસિંહ ચોૈહાણે કચેરીમાં જઈ કર્મચારીઓનો ઉધડો લીધો હતો. પંચમહાલ જિલ્લા સિટી સર્વે કચેરીમાંથી કાયદાકિય જોગવાઈના નિયમો નેવે મુકીને બોગસ પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યુ હતુ. આ બાબત જિલ્લા કલેકટર આશિષ કુમારના ઘ્યાને આવી હતી. જેથી તેઓએ તપાસ કરી ઉકત પ્રોપર્ટી કાર્ડને રદ્દ કરવા હુકમ કર્યો હતો.
અને આ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયર જે.કે.માલીવાડને. તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. બોગસ પ્રોપર્ટી કાર્ડ મળી આવ્યા બાદ જિલ્લા કલેકટરને અન્ય ઈશ્યુ કરાયેલા પ્રોપર્ટી કાર્ડમાં ગેરરિતી આચરવામાં આવી છે કે કેમ જે અંગેની ઝીણવટભરી તપાસ સ્થાનિક મહેસુલી અધિકારી મારફતે કરાવવામાં આવી હતી. અને જેના બાદ આ અંગે ગાંધીનગર ખાતે વધુ તપાસ માટે જાણ કરવામાં આવી હતી. દરમિયાન ગાંધીનગરની ટીમ દ્વારા એનઆઈસી પાસેથી જરૂરી ડેટા મેળવી ગોધરા સિટી સર્વે કચેરી ખાતે પાંચ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. અને 2800થી વધુ પ્રોપર્ટી કાર્ડ ડોકયુમેન્ટની ખરાઈ કરવા ઉપરાંત કબ્જે લેવામાં આવ્યા હતા. હાલ ગાંધીનગર ટીમ દ્વારા કરવામાં આવી રહેલી તપાસનો રિપોર્ટ આગામી દિવસોમાં આવનાર છે જેની સામે હાલ સોૈની મીટ મંડાઈ રહી છે. અને તપાસ અહેવાલમાં જો ગેરરિતી મળી આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ.