પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા જનજીવન ઉપર અસર જોવા મળી

  • ગોધરા મેશરી નદી બે કાંઠે થતાં નદી કિનારે રહેતા લોકોના ધરોમાં પાણી ભરાયા

ગુજરાત રાજય હવામાન વિભાગ દ્વારા મઘ્ય ગુજરાતમાં પાંચ દિવસ અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો છે. છેલ્લા 36 કલાક ઉપરાંતથી પડતાં વરસાદને લઈ જન જીવન પ્રભાવિત થયુ છે. જયારે બીજી તરફ પંચમહાલ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક નોંધાવવા પામી છે. જિલ્લામાં થયેલ મેઘમહેરથી ખેડુતો આનંદિત થયા છે.

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક ઉપરાંતથી પડી રહેલા સતત વરસાદને લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. સતત વરસાદને લઈ ગોધરા શહેરની મઘ્યમાંથી પસાર થતી મેસરી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મેશરી નદી બે કાંઠે થતાં નદીના કિનારા વિસ્તારમાં લોકોના મકાનો પાણીથી તરબોળ થયા હતા. જેથી લોકો ચિંતિત બન્યા છે.

ગોધરા શહેરમાં સતત વરસાદને લઈ લાલબાગ બસ સ્ટેશન વિસ્તાર, ભુરાવાવ, અંકલેશ્ર્વર મહાદેવ મંદિર, ભુરાવાવ સિંદુરી માતા મંદિર વિસ્તાર, ખાડી ફળિયા, ચિત્રાખાડીના નીચાણવાળા વિસ્તારના રહિશોના ધરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગટરલાઈન ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રોડ ઉપર રેલાતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની વારો આવ્યો હતો.

ગોધરા મેશરી નદીના પટમાં ગઈકાલે મોડીરાત્રિએ એક ઈસમ નદીના પટમાં પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોને ઘ્યાનમાં આવતા ગોધરા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાયટરોએ નદીમાં ફસાયેલ ભુધરભાઈ દેતાણીનુ રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.