પંચમહાલ જીલ્લામાં આગામી 07 તારીખે ગુજરાત વહીવટી સેવા,વર્ગ 1, મુલ્કી સેવા,વર્ગ 1/2 તથા નગરપાલીકા મુખ્ય અધિકારી વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે

  • જીલ્લામાં પરીક્ષાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું બહાર પડાયું.
  • પરીક્ષાની 200 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ,કોપીઅર મશીનો,ફેક્સ સદંતર બંધ રાખવા હુકમ કરાયો.

ગોધરા, રાજ્યમાં આગામી તા.07મી જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10 થી બપોરે 01 તથા બપોરે 3 થી 6 કલાકે ગુજરાત વહીવટી સેવા,વર્ગ 1, મુલ્કી સેવા,વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલીકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે.પંચમહાલ જીલ્લામાં આ સમયગાળામાં જીલ્લાના ચાર તાલુકાઓમાં કુલ 24 પરીક્ષા કેન્દ્રો,233 બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે.જીલ્લામાં કુલ 5570 ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.

જીલ્લામાં પરીક્ષાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરરીતિઓ અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.આ સમય દરમિયાન પરીક્ષાનું સંચાલન સફળતાપૂર્વક થાય, અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે, પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતા પૂર્વક તથા ગેરરિતી અટકાવવા સબંધિત સી.આર.પી.સીની કલમ 144 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ચારે દિશાઓમાં 200 મીટરની ત્રિજ્યામાં તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સુધી કે આડકતરી મદદગીરી કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ.

ઝેરોક્ષ/ફેકસના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીન અને કોપીઅર મશીનો, ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ રહેશે.આ હુકમનો ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર ગણાશે.