પંચાયત અને કૃષિ મંત્રીના અધ્યક્ષતામાં દે.બારીયા તાલુકાના અંતેલા ગામે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું

દાહોદ,કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી દાહોદના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. ગામથી લઈ દેશના વિકાસ માટે આપણે સહિયારૂ યોગદાન આપીએ એવો મત તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભાશય જણાવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારે મહિલાઓની ચિંતા કરી ઉજ્વલા યોજના અમલમાં મૂકી છે. જેમાં નિ:શુલ્ક ગેસ કનેક્શન આપી ગામડાંની અનેક મહિલાઓને ચૂલાના અસહ્ય તાપ અને ધુમાડાથી મુક્તિ આપી છે. તેમજ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1250 રૂપિયાની નાણાંકીય સહાય આપી તેઓને આર્થિક ટેકો આપ્યો છે.

આ કાર્યક્રમમાં કલેકટર ડો હર્ષિત ગોસાવી એ સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે મંત્રીના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, જીલ્લા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી મીલીન્દ દવે, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, મામલતદાર સમીરભાઈ પટેલ સહિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.