દાહોદ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. જેને દાહોદ જીલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.
ધાનપુર તાલુકાના દુધામલી ગામ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હરખભેર વધામણાં કરવામાં આવ્યા હતા. મંત્રી ખાબડે ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને સમૃદ્ધિના પથ ઉપર લોકો પસાર થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. સાથે તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડના માધ્યમથી રૂપિયા 10 લાખ સુધીનું વિમા કવચ પ્રત્યેક વ્યક્તિને પુરૂં પાડ્યું છે. ઉજ્જવલા યોજનાથી મહિલાઓના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે, તેના થકી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત થઈ છે. પ્રધાનમંત્રી જન ધન યોજનાના કારણે તમામ નાગરિકોના બેન્કમાં ખાતા ખોલવાથી આજે સરકારની તમામ યોજનાનો લાભ જે-તે લાભાર્થીના ખાતામાં સીધો જ જમા થાય છે. આવી અનેકવિધ યોજનાઓ સરકારે લાગુ કરી છેઙ ત્યારે સૌ નાગરિકો આંગળી ચિંધ્યાનું પૂણ્ય કરી પાડોશી પણ સરકારની યોજનાનો લાભ લઈ શકે તે માટે સહયોગી-માર્ગદર્શક બનવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેનું યોગદાન આપવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન અભેસિંહ મોહનીયા, તાલુકા પંચાયતના પ્રમુખ , જીલ્લા પંચાયતન સભ્યો, તાલુકા પંચાયતન સભ્યો, સરપંચો, મામલતદાર રાકેશભાઈ મોદી, તાલુકા વિકાસ અધિકારી રાઠવા, સહિત અધિકારી ઓ કર્મચારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.