પંચાયત ચૂંટણીના ૬ દિવસ પહેલા બંગાળમાં હિંસા: ટીએમસી ઉમેદવારના પિતાની હત્યા, મુર્શિદાબાદ માં કોંગ્રેસ સમર્થકની ગોળી મારીને હત્યા કરાઇ

  • પંચાયત ચૂંટણી હિંસામાં અત્યાર સુધીમાં ૧૦ લોકો માર્યા ગયા છે.

કોલકાતા, પશ્ર્ચિમ બંગાળમાં ૮ જુલાઈએ પંચાયત ચૂંટણી યોજાવાની છે. મતદાનના છ દિવસ પહેલા હિંસાની બે ઘટનાઓમાં એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઘાયલ છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૫૨ વર્ષીય કાર્યકર જિયારુલ મોલ્લા શનિવારે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ફુલમાલાંચા વિસ્તારમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.તે કાથલબેરિયા ગ્રામ પંચાયતમાં ટીએમસીના ઉમેદવાર મનવારાના પિતા હતા. પિતાની હત્યા બાદ પુત્રીએ કહ્યું, અમને વિરોધ પક્ષો તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. હું મારા પિતાની હત્યાની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરું છું.સ્થાનિક તૃણમૂલ ધારાસભ્ય શૌક્ત મોલ્લાએ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરશે અને જે પણ જવાબદાર હશે તેની સામે ઝડપી કાર્યવાહી કરશે.

રવિવારે રાત્રે મુર્શિદાબાદ જિલ્લાના સમસેરગંજમાં અન્ય એક ઘટનામાં, કોંગ્રેસ કાર્યકર આરિફ શેખ પર અજાણ્યા લોકોએ ગોળી મારી હતી. તે ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોએ સમસેરગંજમાં રસ્તાઓ પર દેખાવો શરૂ કર્યા હતા. જેના કારણે કલાકો સુધી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.

સમસેરગંજ બ્લોક કોંગ્રેસના પ્રમુખ બી શેખે આક્ષેપ કર્યો હતો કે, બિન ઉશ્કેરણીજનક ગોળીબારની ઘટના પાછળ તૃણમૂલનો હાથ છે. તૃણમૂલે આ આરોપને નકારી કાઢતાં કહ્યું હતું કે ગોળીબારની ઘટના દુશ્મનાવટને કારણે બની હતી અને તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.આ દરમિયાન રવિવારે મોડી રાત્રે ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના હરોઆ વિસ્તારમાં એક દેશી બોમ્બ બનાવવા દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસ અહેવાલો અનુસાર, પશ્ર્ચિમ બંગાળમાં ૯ જૂનના રોજ નામાંકન ભરવાનું શરૂ થયું ત્યારથી પંચાયત ચૂંટણી હિંસામાં અત્યાર સુધીમાં ૧૦ લોકો માર્યા ગયા છે.આ દરમિયાન, રવિવારે પશ્ર્ચિમ મેદિનીપુર જિલ્લામાં એક તરફ સીપીઆઇ એમ અને આઇસએફ સમર્થકો અને બીજી તરફ તૃણમૂલ સમર્થકો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા હતા.આ ઘટના સવારે ચંદ્રકોનાના કૃષ્ણપુર વિસ્તારમાં બની હતી જ્યારે તૃણમૂલના સભ્યોએ પાર્ટીના ઝંડા લગાવવાનો પ્રયાસ કર્યો હતો અને વિપક્ષી કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને કેમ્પમાંથી ૧૦ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

રાજ્યમાં પંચાયત ચૂંટણી માટે મતદાન પહેલા કેન્દ્રીય દળોની ૮૨૨ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ કંપનીઓની માંગણી કરી હતી.હકીક્તમાં, ૨૧ જૂને, કલકત્તા હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ૨૪ કલાકની અંદર રાજ્યમાં ૮૨,૦૦૦ કેન્દ્રીય દળના જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. વધતી હિંસાને કારણે હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો.