પંચાયત અને કૃષિ મંત્રી અને સાંસદની પ્રેરક ઉપસ્થિતિમાં દે.બારીયા તાલુકાના સાલીયા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

દાહોદ, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ અન્વયે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં દેવગઢબારિયા તાલુકાના સાલીયા મુકામે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ સ્થળે આયુષમાન ભવ, પ્રાકૃતિક કૃષિ, આઈ.સી.ડી.એસ. સહિતના સ્ટોલ દ્વારા યોજનાકીય સહાય અને તેના લાભો વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ભારતને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે સંકલ્પ લીધો હતો.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ કે, છેવાડાના લાભાર્થીની ઓળખ કરીને તેના સુધી યોજનાકીય સહાય-લાભ પહોંચાડવા માટેના અભિગમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂ.10 લાખની સહાય મળી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી મહિલાઓને રસોઇ બાબતે સરળતા થઇ રહી છે, જે તેમના સમય અને ઉર્જાને બચાવે છે અને તેનો તે સકારાત્મક રીતે ઉપયોગ કરી શકે છે. વધુમાં મંત્રીએ જણાવ્યુ કે, એક સમયે પીવાના પાણી, વીજળી સહિતના પ્રશ્ર્નો હતા, જે હવે ભૂતકાળ બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક ક્ષેત્રમાં વિકાસકાર્યો તેજ ગતિથી સંપન્ન થયા છે. વિકાસની આ યાત્રા સતત અને અવિરત આગળ ધપી રહી છે. વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને બળ પૂરૂં પાડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો ‘ડ્રોન-દીદી’નો ખ્યાલ રજૂ કરીને દેશમાં ડ્રોન ઉડાડવાની તાલીમ મહિલાઓને પણ તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદે્શ છે કે, છેવાડાના લોકોને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવી સો ટકા સિધ્ધિ હાંસલ કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે તેમણે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે રાજ્યના ગામેગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવે છે. છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને સાંસદ જશવંતસિંહ ભાભોરે અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં યોજનાકીય સહાયના લાભોનું પ્રતિકાત્મક વિતરણ પણ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. દેવગઢ બારિયા મામલતદાર સમીરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન,નાયબ જીલ્લા વિકાસ અધિકારી મિલીંદ દવે, જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, જીલ્લા બાગાયત અધિકારી એચ.બી.પારેખ, તાલુકા વિકાસ અધિકારી , જીલ્લા પંચાયતના સભ્યઓ, ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન ભરતભાઈ ભરવાડ, તાલુકા પંચાયતના સભ્ય ઓ, સરપંચ ઓ સહિત અધિકારી-કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.