
- ઝાપટીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ કુમકુંમ તિલક કરી રથને આવકારી લીધો.
- મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ ભાભોરના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ એનાયત કરાયાં.
દાહોદ,સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી સરકારના તમામ લાભો પહોંચાડી શકાય તેવા પ્રસંશનિય હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઝાપટીયા ગામે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આ યાત્રા ચાલી રહી છે.આ યાત્રા દરમિયાન દરેક વ્યક્તિને કોઇને કોઇ લાભ મળ્યા છે. આજે ઝાપટીયા ગામે પહોચી છે, ત્યારે તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ કોઇ સરકારી યોજનાથી બાકાત ન રહે તેની તકેદારી રાખવા સ્થાનિક આગેવાનોને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે આયુષ્માન ભારત, ઉજ્જ્વલા,પીએમ કિસાન સન્માન નિધી, અવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા. મંત્રીએ આ તકે સૌ ગ્રામજનોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યોને પણ આ લાભો અપાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશના તમામ ગામો તથા શહેરોમાં વિકસિત ભારત યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અપાઈ રહ્યા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા સરકાર દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય, રોજગારી, સિંચાઈ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ભારત વિશ્ર્વગુરૂ બને અને માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજે તે માટે સરકાર કટિબદ્ધ છે.ગેરેન્ટી વાળી ગાડી ગામે ગામ મોકલી સરકાર નાગરિકોની ચિંતા કરી રહી છે.

સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરાશે. રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે.
કાર્યક્રમમાં યોજનાકીય સહાયના લાભોનું પ્રતિકાત્મક વિતરણ પણ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. દેવગઢ બારિયા મામલતદાર સમીરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી.

કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત અધિકારી-કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.