દાહોદ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જે અન્વયે આજરોજ દાહોદ જીલ્લાના દેવગઢબારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના વરદહસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે સંબોધન પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જીલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામેગામ ભ્રમણ કરી રહ્યા છે. આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે. ત્યારે આજરોજ દેવગઢબારિયામા પણ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગેરન્ટીરૂપી રથ આવી પહોંચ્યો છે.
વધુમાં મંત્રી ઉમેર્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના લાખોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે. પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર વર્ષે 6 હજારની સહાય આપવામાં આવે છે. વિદેશ અભ્યાસ માટે સરકારે રૂ. 15 લાખની જોગવાઇ પણ કરી છે. અત્યાર સુધીમાં 38 લાખથી વધુ લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી અન્ન યોજના, આંગણવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી ઝઇંછ કિટ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ દ્વારા મળતી સહાય વિશે વાત કરી ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ મંત્રી સહિતના મહાનુભાવોના વરદહસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાનનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો રસપૂર્વક સાંભળ્યો હતો. તેમજ ’વિકસિત ભારત’ ફિલ્મનું નિદર્શન પણ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિકાસ યાત્રા રથ દેવગઢબારિયા ખાતે પહોંચતા બાળાઓએ મહાનુભાવો અને રથનું સામૈયા અને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. દેવગઢ બારિયા મામલતદાર સમીરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યઓ, દેવગઢ બારિયા ચીફ ઓફિસર, અગ્રણી મહેશ બાલવાની, નગરપાલિકાના કાઉન્સિલરો સહિત, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.