પંચમહાલ જીલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ૯ થી ૧૨ ખાનગી શાળાઓ શરૂ કરવા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત રાજ્યની તમામ ૯ થી ૧૨ ખાનગી શાળાઓને ત્વરીત શરૂ કરવા મંજુરી આપવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપવામાં આવ્યું.

પંચમહાલ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજુઆત કરાઈ છે કે, હાલમાં કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. સરકાર દ્વારા ટયુશન કલાસીસ, સરકારી સ્કુલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ અને ટ્રાવેલ્સ બસો સહિત તમામ વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઈડ લાઈન અનુસાર ખોલવાની મંજુરી આપવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકો લાંબા સમય થી શાળાઓ ખોલવા માટેની માંગને કોઈને કોઈ કારણોસર અનદેખી કરવામાં આવી રહી છે. જેને લઈ રાજ્યના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી છે.

ખાનગી શાળા સંચાલક મંડળો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબકકાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી અને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકો એ પુરતી તકેદારી સાથે એકપણ બનાવ ન બને તેની કાળજી રાખીને શ‚ કરેલ તે રીતે જ્યારે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટયુશન કલાસીસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ તેમજ વાણિજય અને ધાર્મિક સ્થળોને મંજુરી આપી છે. તો ખાનગી શાળાઓને અન્યાય શા માટે ? પ્રથમ તબકકામાં સરકાર સમક્ષ ધો.૯ થી ૧૨ની શાળાઓ ફરી શરૂ કરવાની ત્વરીત મંજુરી આપવી જોઈએ. તેવી ઉગ્ર માંગણી કરી છે.

ટયુશન કલાસની સરખામણી એ શાળાઓના વર્ગ ખંડ શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેવી જેને લઈ ટયુશન કલાસની સરખામણી એ કોવિડ ગાઈડ લાઈન પાલન વધારે સારી રીતે કરી શકે છે. તે ઉપરાંત ધો.૯ થી ૧૨ના વર્ગો અભ્યાસ માટે અગત્યના હોય તેમનું, લગભગ ૧૫ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ નહિ કરી સત્વરે શાળાઓ શરૂ કરવા દેવામાં આવે તેવો ગુજરાતના શાળા સંચાલક મંડળો અનુરોધ કર્યો છે.
ગુજરાતના અમુક અંતરીયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેકટીવીટીની મોટી સમસ્યા છે. ઘણા બાળકો એવા છે. જેની પાસે ઈન્ટરનેટ કે મોબાઈલ ફોનની જરૂરી વ્યવસ્થા નથી. તેવા બાળકોને ખૂબ નુકશાન થઈ રહ્યું છે. શાળા સંચાલકોને વાલીઓ દ્વારા શાળા શરૂ કરવા અનુરોધ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ ચિંતીત જણાય છે. તેઓ પણ શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ દરમ્યાન શાળા શરૂ કરવા આહવાન કરે છે.
ગુજરાત રાજ્યના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેકસીનના બન્ને ડોઝ અપાઈ ગયા છે. તેથી આવનાર વિદ્યાર્થીઓ માટે શાળાઓ અને શિક્ષકો સુરક્ષીત છે. મોટાભાગના રાજ્યો એ શાળાઓ શરૂ કરવાનો રોડમેપ તૈયાર કરી જાહેર કરી દીધો છે. ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર આ બાબતે તૈયારી કરવી જોઈએ.

ત્રીજી વેવ આવે તેવી રાહ જોઈને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઈએ. આવનાર દિવસોમાં સુરક્ષીત વાતાવરણ બનાવીને સુરક્ષાના તમામ પગલાઓ ભરી શિક્ષણ કાર્ય શરૂ કરવું જોઈએ. ભવિષ્યમાં પરિસ્થિતી અનુકુળ જણાય તો તકેદારીના ભાગરૂપે શાળાઓ જરૂરીયાત મુજબ બંધ કરી શકાય છે.