ધોધંંબા,
પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજના રિવાજો એક સમાન રહે તે માટે ત્રણેય જિલ્લાના આગેવાનો મહિલાઓ અને આદિવાસી સમાજના સંતોનું એક મહાસંમેલન આજે તા.5 માર્ચના રોજ ઘોઘંબા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો વિવિધ સંસ્થાઓના ચેરમેનો વગેરે આગેવાનોએ ચર્ચામાં ભાગ લઈ રાઠવા સમાજ માટેનું નવું બંધારણ બનાવી તેને સ્વીકૃતિ આપવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં આગેવાનો દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે, આપના સમાજના અલગ અલગ સામાજિક વ્યવહારોને લઈને ગામ અને ફળિયામાં વેરભાવ ઉભા થાય છે તથા નાના-નાના પ્રશ્ર્નોને લઈને સમાજના પંચ દ્વારા નિકાલ લાવવાને બદલે પોલીસમાં ફરિયાદ આપી વેર વધારવામાં આવે છે. આ બંદીને નાબૂદ કરવા માટે આજે સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત આપના સમાજમાં વ્યસનનો બહુ મોટો વિસ્તાર છે. વ્યસન નાબૂદી માટે પણ આપને પ્રયાસો હાથ ધરી આપના સમાજના લોકોના આરોગ્યને બચાવવાના પ્રયાસો હાથ ધરવાના છે. આ બધા માટે સમાજના આગેવાનો સાધુ-સંતો, ભાઈઓ અને બહેનો દ્વારા રજૂ કરવામાં આવતા તેઓના વિચારોને સમજીને વ્યસન નાબૂદી માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તથા આપના સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેના પ્રયાસો આપ બધાએ હૃદય પૂર્વક હાથ ધરવા પડશે. આપણા બધાના સહિયારા પ્રયાસો અને માર્ગદર્શનથી સમાજના રીતે-રિવાજો તથા વ્યવહારોને સીમિત કરવા તથા તે અંગેનું નવું બંધારણ નક્કી કરી તેની નકલો આજે જ વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આપણો સમાજ પણ સમગ્ર દુનિયા સાથે કદમથી કદમ મિલાવી આગળ વધે તે માટેના સધન પ્રયાસો આપણે બધાએ કરીને આપણા સમાજને ઉપર લાવવાના પ્રયાસો હાથ ધરવાના છે. આ પ્રસંગે અન્ય આગેવાનોએ પણ પોતાના વિચારો રજૂ કરી સમાજ માટે ઉપયોગ થાય તે માટેના પ્રયાસો હાથ ધરી સંમેલનને સફળ બનાવ્યું હતું. 3 જિલ્લાના લોકો કે સમાજના માણસો એક જ જગ્યાએ ભેગા થાય અને સમાજ માટેનો વિચાર કરે એવો આ પ્રસંગ કદાચ આદિવાસી સમાજમાં પ્રથમ વખત બન્યો હશે અને તેના માટેના પ્રયાસો કરનાર આગેવાનોને રાઠવા સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.