દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયાની ઘટના સામે આવી છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં અચાનક આવ્યું પુર આવ્યું છે. જેના કારણે નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક નદીમાં ફસાયા છે.
મોડી રાત્રે મહીસાગર જિલ્લામાં વિરપુર પંથકમાં પવન અને વીજળીના ચમકરા સાથે કેટલાક સ્થળે છુટાછવાયા હળવા વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં વિરપુર આસપાસના ગામો ડેભારી, ધોળી, દાંતલા સહિતના ગામોમાં મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ વરસતા જ લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી હતી. બીજી તરફ વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી હતી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસુ મધ્ય-ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યું છે. ગતરોજ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મોડી રાતથી મધ્ય-ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લના માતરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. તો આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મોડીરાતથી મેધરાજા હેત વરસાવી રહ્યા છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ સહિત અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતાં અનેક જગ્યાએ પાણી ભરાવા સાથે જાડ ધરાશાયી થયા હતા. તો ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડતાં લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે.
તાલુકો | વરસાદ (મિમીમાં) |
ખેડા | 56 |
વિસાવદર | 48 |
ડેસર | 48 |
કાલોલ | 32 |
સાવલી | 27 |
જાંબુઘોડા | 24 |
કુંકાવાવ વડિયા | 16 |
ગળતેશ્વર | 16 |
હાલોલ | 15 |
ઘોઘંબા | 14 |
આણંદ | 11 |
ગારિયાધાર | 10 |
મહેમદાવાદ | 10 |