શહેરા,પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં નવા નીરના પાણીની આવક થતાં પાનમ ડેમની જળ સપાટીમાં 0.45 સે.મી.નો વધારો થયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન પાનમ ડેમમાં 118,711 કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.
ચોમાસાના પહેલા વરસાદમાં જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં પાણીની આવક થતાં ખેડુતોના ખુશીની લાગણી છવાઈ હતી. શનિવારે વહેલી સવારથી પંચમહાલ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈને જિલ્લામાં આવેલ નદી-નાળામાં નવા નીરની આવક થવાની સાથે કેટલાક ચેકડેમ ઓવરફલો થયા હતા ત્યારે પંચમહાલ જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા સારા વરસાદને લઈ પાનમ નદીમાં નવા નીરની આવક થતાં જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં પણ નવા નીરના પાણીની આવક થઈ હતી. ઉપરવાસમાં સારો વરસાદ થતાં પાનમ ડેમમાં 2165 કયુસેક પાણીની આવક નોંધાઈ હતી. જયારે છેલ્લા 24 કલાક દરમિયાન પાનમ ડેમમાં 118,711 કયુસેક પાણીની આવક નોંધાતા ડેમની જળસપાટીમાં 0.45 સે.મી.નો વધારો થયો હતો. હાલ પાનમ ડેમની જળસપાટી 119.70 મીટરે પહોંચી છે. જયારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. જોકે ચોમાસના પહેલા વરસાદમાં પાનમ ડેમમાં પાણીની આવક થતાં ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે.