
ભાવનગર,
ભાવનગરમાં પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધુ વકર્યો છે. નીલંકઠ મંદિરની બહાર થયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે, જેના વિરોધમાં પાલિતાણામાં ૧૦ હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધપ્રદર્શન કર્યું હતું. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઈ હતી. ધર્મસભા પૂરી થયા બાદ જૈન સમાજની વિશાળ રેલીએ વિરોધ નોંધાવ્યો હતો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કોમી વૈમનસ્ય ફેલાવનારાં તત્ત્વો સામે પગલાં ભરવા માગ કરી હતી. જોકે સામે પૂજારીએ તોડફોડ હિન્દુ સંગઠને નહીં, પણ અસાજિક તત્ત્વોએ કરી હોવાની વાત કરી હતી અને રવિવારે આવેદનપત્ર સ્વીકારવા બદલ સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા. જોકે તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જ્યારે હજુ આ મામલે જૈન સમુદાય અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં રેલી કાઢશે.

ભાવનગરના પાલિતાણામાં નીલકંઠ મંદિરના પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ મંદિર બહાર પેઢીએ મૂકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પૂજારી અને તેના સાગરીતો દ્વારા તોડફોડ કરાઈ હોવાનું બહાર આવતાં જૈન સમાજ રોષે ભરાયો છે. આ મામલે રવિવારે પાલિતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલિતાણા પહોંચ્યા હતા. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મ સભા પણ યોજાઇ હતી, જેમાં જૈન આચાર્ય દ્વારા ધર્મનો ઉદ્દેશ આપ્યો હતો. ત્યાર બાદ નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં ૧૦ હજારથી વધુ યુવાઓ રેલીમાં જોડાયા હતા.

શેત્રુંજી પર્વત પરના નીલકંઠ મહાદેવ મંદિર સામે લગાવતા મંદિરના પૂજારી અને તેના સાગરીતોએ તોડી પાડ્યા હોવાનો જૈન સમુદાયે આક્ષેપ કર્યો છે. આ વાતને લઈ જૈન સમાજમાં રોષ ભભૂક્યો છે. અગાઉ આણંદજી કલ્યાણજી પેઢીએ આ મંદિરનો કબજો લઈ પોતાનો પૂજારી અને ચોકીદાર નક્કી કરતાં હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો હતો. પાલિતાણામાં ઊભા થયેલા ધર્મના વિવાદમાં સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યું હતું અને આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપી છે. તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાવનગરના આઈજી અને એસપી સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે.

આ અંગે નીલકંઠ મંદિરના પૂજારી શરણાનંદ સ્વામીએ કહ્યું હતું કે આ તોડફોડ અમે નહીં, પણ અસામાજિક તત્ત્વોએ કરી છે. જે તોડફોડ અસામાજિક તત્ત્વોએ કરી છે, એનું અમે ક્યારેય પણ સમર્થન કરીએ નહીં અને આવાં અસામાજિક તત્ત્વ સામે કડકમાં કડક પગલાં કરવાની માગણી અમે પણ કરી રહ્યા છીએ. અમારી સરકારને માગ છે કે, જે વહીવટ આણંદજી કલ્યાણજી પેઢી કરે છે. એ સરકાર હસ્તક થવો જોઇએ. સરકાર સિક્યોરિટીથી માંડીને પૂજારી અહીં મૂકે એવી અમારી માગ છે. જોકે રવિવારે જૈન સમુદાયનો આવેદનપત્ર સ્વીકારવા બદલ પૂજારીએ તંત્ર પર પણ મિલીભગતના આક્ષેપ કર્યા હતા.