ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ખાતે ભાજપના ઉમેદવાર પ્રચાર માટે ગયા હતા ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતાં. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને વિરોધ કરતા લોકોને પકડયા હતા, ત્યારબાદ છોડી મુકયા હતા.
પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ખાતે ભાવનગર લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા પ્રચાર માટે ગયા હતા ત્યારે નવાગામ ખાતે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા તેથી ભાજપના ઉમેદવાર તેમજ કાર્યકરોની મુશ્કેલી વધી હતી. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિરોધ કરતા આશરે ૨૦થી વધુ લોકોને પકડયા હતા, ત્યારબાદ લોકોને પોલીસે છોડી મુકયા હતાં.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી, જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે અને ભાજપના ઉમેદવારને હરાવવા પ્રયાસ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે. રૂપાલાનો વિરોધ હવે ભાજપના ઉમેદવારોને નડી રહ્યો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.