દાહોદ, દાહોદમાં દબાણ હટાવ ઝુંબેશમાં પાલિકા હસ્તકની દુકાનો તો તોડી પડાઇ છે પરંતુ ગોવિંદ નગર ચોકમાં વર્ષો પહેલા મુકાયેલી સ્લમ વિસ્તારની જીવાદોરી પાણીની ટાંકીને તોડી પડાતાં આસપાસના 200 ગરીબ પરિવારોને ભર ઉનાળે પાણી માટે ભટકવાનો વારો આવતાં રોષ ફેલાયો છે. સ્માર્ટ રોડ બનશે ત્યારે બનશે પરંતુ કોઈને નડતર રૂપ ન હોય તેવી પાણીની ટાંકી ભરઉનાળે તોડી પાડી સરકારી બાબુઓના પ્રજાભિમુખ વહીવટનો નમૂનો જોવા મળ્યો છે.
દાહોદ શહેરમાં ભીલવાડા, હાઉસિંગ બોર્ડ તેમજ આસપાસના વેપારીઓને પાણીની સમસ્યા પડતાં તેમની માટે ગોવિંદ નગર ચોકમાં પાલિકા દ્વારા બોર કરાવીને એક મોટી ટાંકી મુકવામાં આવી હતી. પાલિકા દ્વારા જ વીજળીની વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હતી. આ પાણીની ટાંકીને કારણે આસપાસના ગરીબ લોકોને પાણીની રાહત તો હતી સાથે નજીકમાં બનાવેલી કુંડીને કારણે પશુઓની પણ તરસ બુઝાતી હતી.
શહેરમાં દબાણ હટાવ ઝુંબેશમાં માણેક ચોકના ઢાળથી માંડીને મંડાવ રોડ સુધી શાળા, સરકારી કચેરીઓ, બગીચા, જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ્થાનને ઢાંકતી દિવાલો દૂર કરી દેવાઇ છે. ત્યારે આગળ વધી ગોવિંદ નગર ચોકમાં મુકેલી આ ટાંકી પણ દૂર કરવાનો આદેશ કરી દેવાયો હતો. જેથી ટાંકી સહિસલામત કાઢી લેવાઇ હતી.
ત્યારે દાહોદ શહેરમાં ચાર દિવસે એક વખત પાણી આવે છે. તેવા સમયે ભીલવાડા વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા 160 જેટલા પરિવારો પાણી વિના વલખાં મારી રહ્યા છે. સાથે હાઉસિંગ સોસાયટી અને આસપાસના વેપારીઓને પણ ટાંકી ઉપયોગી હતી. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં મહત્તમ લોકોને ત્યાં પાણી સ્ટોરેજની કોઇ સુવિધા નથી ત્યારે આ ટાંકી તોડી પડતાં લોકોને પાણી માટે હવે રઝળવુ પડે છે.
દાહોદમાં દબાણ હટાવ ઝુંબેશમાં ઘણે ઠેકાણે “પાપડી ભેગી ઈયળ પણ બફાઈ ગઈ” હોવાનું ચર્ચાય છે. પાણીની ટાંકીની ઉપયોગિતા કમ સે કમ પાલિકાના સંલગ્ન અધિકારીઓએ તો જણાવવી જ જોઈએ તેમ છતાં એવા અધિકારીઓની હાજરીમાં જ મહત્તા જાણ્યા વગર અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તે દૂર કરી દેવાતાં લોકોમાં રોષ ફેલાઇ ગયો છે. ટાંકી દૂર થતાં સમસ્યા વેઠી રહેલાં લોકો હવે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી રહ્યા છે.
આ વિસ્તારના નગર સેવકો શ્રધ્ધા ભડંગ અને લલિત પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે હાલ ટાંકી ક્યાય નડતર રૂપ હતી નહી. જ્યારે કામગીરી થાય ત્યારે હટાવવી જોઈતી હતી. હાલ ગરમીમા વિસ્તારના ગરીબો અને અન્ય લોકો ટાંકી ન હોવાથી પાણી માટે વલખાં મારી રહ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી રહ્યા છે ત્યારે સૌથી સુવિધા જનક આ જ જગ્યા હતી. કયા તર્ક થી ઉનાળામાં આ ટાંકી હટાવાઈ તે સમજાતુ નથી.