પાલડીમાં ગાયના ઘીનો વેપાર કરતા વેપારીના દસ લાખ લઈ નોકર ગાયબ : પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ,

પાલડીના ગાયનું ધી સહિતની વસ્તુઓનો વેપાર કરતા વેપારીના દસ લાખ રૂપિયા લઈ નોકર ગાયબ થઈ ગયો હતો. બનાવ પાલડી પોલીસ સ્ટેશનમાં વેપારીએ ચાર મહિના બાદ નોકર વિરૂધ ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ વેપારીને થોડા સમયમાં રૂપિયા આપવાની ખાતરી આપ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

પાલડીમાં ગાયનું ઘી તેમજ ગાયના દૂધની અન્ય પ્રોડક્ટનો વેપાર કરતા મનિશભાઈ મદનગોપાલ અગ્રવાલ (ઉં,૪૭)એ તેઓના નોકર માંગુસિહ લાધુસિંહ ચંપાવત વિરૂધ ફરિયાદ કરી છે. જે મુજબ પાલડી ખાતે ચાલતી ઓફિસના વેપારનો હિસાબ આરોપી માંગુસિહ રાખતો હતો. જો કે, ગત તા.૧-૧૧-૨૦૨૨ના રોજ માંગુસિહ અચાનક ઓફિસ છોડી જતો રહ્યો હતો. જે ડ્રોઅરમાં ધંધાના હિસાબના રૂપિયા રહેતાં તે પણ ખુલ્લા પડયા હતા.બનાવ અંગે અન્ય કર્મચારીઓએ જાણ કરતા ફરિયાદીએ અમદાવાદ ખાતેની ઓફિસે આવી તપાસ કરી હતી. તપાસમાં ખબર પડી કે, વકરાના રૂ.૧૦,૧૪,૧૦૦ની રકમ ગાયબ હતી. આ અંગે માંગુસિંહને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. બનાવને પગલે ફરિયાદીએ તેના ભાઈને વાત કરતા તેઓએ સમય માંગ્યો હતો.આ દરમિયાનમાં માંગુસિંહ સાથે ફરિયાદીને ફોન પર વાત થઈ હતી. આરોપીએ થોડા સમયમાં રૂપિયા પરત કરી જશે તેવી ખાતરી આપી હતી. જો કે, બાદમાં આરોપી પૈસા ચુકવવા આવ્યા નહી અને ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.