મુંબઇ,મહારાષ્ટ્રના પાલઘરમાં બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ આયોજિત રેલીમાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. રેલી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે વિરારના મનવેલપાડાથી પાલઘરના કારગિલ વિસ્તાર સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂરી થયા બાદ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના થવા પામી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, શુક્રવારે દેશભરમાં બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ગુરુવારે મહારાષ્ટ્રના પાલઘરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાત્રે ૧૦.૩૦ કલાકે રેલી સુરક્ષિત રીતે તેના નિર્ધારીત સ્થાને પહોંચી હતી અને તેનું સમાપન થયું હતું. આ પછી, રેલીના સમાપન સ્થળેથી લોકો પાછા ફરવા લાગ્યા, તેમાંથી કેટલાક ખુલ્લી વીજ લાઇનની ચપેટમાં આવી ગયા હતા.
જેના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમની ઓળખ સુમિત શિવાજી સુત (૨૮) અને રૂપેશ શરદ સુર્વે (૨૦) તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીજ કરંટ લાગતા તેમને બચાવવા ગયેલા રાહુલ જગતાપ, ઉમેશ કનોજિયા, અસ્મિત કાંબલે, સત્યનારાયણ પંડિત, રોહિત ગાયકવાડ પણ વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા.
વીજ કરંટને કારણે દાઝી ગયેલા બધાને વસઈ વિરારની મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તબીબોએ સુમિત અને રૂપેશને મૃત જાહેર કર્યા હતા. જ્યારે, પાંચ સળગેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.